જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં ઈસ્લામિક આતંકી હુમલા બાદ ભારત સરકાર એક્શન મોડમાં છે. પાકિસ્તાન પર અલગ અલગ પગલાં ભરી રહી છે. આ દરમિયાન યુદ્ધની સંભાવનાઓ પણ ચકાસવામાં આવી રહી છે. તે અનુસંધાને ગઈકાલે પાંચમી મેને સોમવારે કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા રાજ્યોને યુદ્ધની તૈયારીઓ માટેની મોકડ્રીલ કરવા સૂચના આપવામાં આવી હતી. તે અનુસંધાને ગુજરાતમાં પણ આવતીકાલે 7મી મેએ આ કવાયત હાથ ધરવામાં આવશે. મોકડ્રીલ અંગે આજે એક મહત્ત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી અને સૂચિત એક્શન પ્લાનની સમીક્ષા કરવામાં આવી હતી.
આવતી કાલે યોજાનાર મોકડ્રીલના આયોજન અનુસંધાને આજે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી અને સૂચિત એક્શન પ્લાનની સમીક્ષા કરી હતી. pic.twitter.com/lagATazZh0
— Harsh Sanghavi (@sanghaviharsh) May 6, 2025
ગુજરાતમાં આવતીકાલે યોજાનાર મોકડ્રીલના આયોજન અનુસંધાને ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી. ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ એમ. કે. દાસ, મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ જયંતી રવિ, રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય, હોમગાર્ડ્સ અને સિવિલ ડિફેન્સ ડીજીપી મનોજ અગ્રવાલ સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
ભારત સરકારે છેલ્લા 14 દિવસમાં આતંકી સમર્થક પાકિસ્તાનને પાઠ ભણાવવા માટે વિવિધ પગલાં લીધાં છે, જેમ કે, પાકિસ્તાનને સાત દાયકાથી સિંધુ જળ સંધિ અંતર્ગત મળતું પાણી બંધ કરી દેવામાં આવ્યું છે. પાકિસ્તાની રાજકારણીઓ, સૈન્ય અધિકારીઓ તેમજ સેલિબ્રિટીના સોશિયલ મીડિયા એકાઉન્ટ ભારતમાં સ્થગિત કરી દેવામાં આવ્યા છે. પાકિસ્તાનથી આયાત થતા સામાન પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. ટપાલ વ્યવહાર પણ બંધ કરી દેવામાં આવ્યો છે એટલું જ નહીં પરંતુ પાકિસ્તાની વિઝા ધારકોને હાંકી કાઢવામાં આવ્યા છે.
ગુજરાતમાં ક્યાં ક્યાં યોજાશે મોકડ્રીલ?
આ બધા ઉપરાંત ભારત સરકાર, ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી છેલ્લા થોડા દિવસથી સૈન્યના વડાઓ, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર, સુરક્ષા સચિવ વગેરે સાથે એકપછી એક બેઠકો યોજી રહ્યા છે. સાથે જ આંતરરાષ્ટ્રીય સમુદાય સમક્ષ ભારતનો પક્ષ રજૂ કરવામાં આવી રહ્યો છે. આ તમામ ગતિવિધિ સંભવિત યુદ્ધની તૈયારી માટેની હોવાનું માનવામાં આવે છે.
