કેરળ સ્થિત મલયાલમ રેપર હીરાદાસ મુરલી ઉર્ફે વેદાનની સોમવારે કોચીમાં હિલ પેલેસ પોલીસે તેના વિટિલા ફ્લેટ પર દરોડા દરમિયાન લગભગ પાંચ ગ્રામ ગાંજા રાખવા બદલ આઠ અન્ય લોકો સાથે ધરપકડ કરી હતી. આ ગ્રુપ ‘કાર્યક્રમ ચર્ચા’ માટે એકત્ર થયું હોવાનું કહેવાય છે. પોલીસે ગુપ્ત માહિતીના આધારે દરોડો પાડ્યો હતો.
રેપરે ડ્રગ્સનો ઉપયોગ કબૂલ્યો
ન્યૂ ઇન્ડિયન એક્સપ્રેસ અનુસાર એક અધિકારે જણાવ્યુ કે “માહિતી મળતાં, અમે સવારે 10 વાગ્યાની આસપાસ ફ્લેટ પર પહોંચ્યા અને શોધખોળ દરમિયાન અમને ગાંજો મળી આવ્યો.” અધિકારીએ જણાવ્યું કે વેદાન અને તેના મિત્રો સોમવારે સવારે એક કાર્યક્રમમાં હાજરી આપીને પાછા ફર્યા હતા. પૂછપરછ દરમિયાન રેપરે ડ્રગ્સ લેવાનું કબૂલ્યું અને પોલીસે ફ્લેટમાંથી 1.5 લાખ રૂપિયા પણ જપ્ત કર્યા.
રેપર સામે કેસ દાખલ
પૂછપરછ પછી વેદાન પર નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (NDPS) એક્ટની જોગવાઈઓ હેઠળ ગુનો નોંધવામાં આવશે. રવિવારે કેરળ પોલીસની એક્સાઇઝ ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા બાદ જાણીતા મલયાલમ ફિલ્મ દિગ્દર્શક ખાલિદ રહેમાન અને અશરફ હમઝા સહિત અન્ય એક વ્યક્તિની કોચી સ્થિત તેમના ફ્લેટમાંથી ધરપકડ કરવામાં આવ્યા બાદ આ ઘટના બની છે. ત્રણેયની હાઇબ્રિડ ગાંજા રાખવા બદલ ધરપકડ કરવામાં આવી હતી.
એક્સાઇઝ અધિકારીઓએ હાઇબ્રિડ ગાંજો જપ્ત કર્યો
અહેવાલો અનુસાર, ગુપ્ત માહિતીના આધારે, એક્સાઇઝ અધિકારીઓએ રવિવારે સવારે 2 વાગ્યે કોચીના ફ્લેટ પર દરોડો પાડ્યો અને ત્રણેય પાસેથી 1.6 ગ્રામ હાઇબ્રિડ ગાંજાનો જથ્થો જપ્ત કર્યો. ત્રીજા વ્યક્તિની ઓળખ શાલિફ મોહમ્મદ તરીકે થઈ છે, જે ડિરેક્ટરોનો નજીકનો મિત્ર હોવાનું કહેવાય છે. વેદાન 2024 ની સર્વાઇવલ થ્રિલર ‘મંજુમ્મેલ બોયઝ’ માં તેમના કામ માટે જાણીતા છે, જ્યાં તેમણે ફિલ્મના હિટ ગીત કુથંતરામ માટે ગાયન આપ્યું હતું. તેમણે માર્ટિન પ્રક્કટ દ્વારા દિગ્દર્શિત નયટ્ટુમાં નરબલી માટે પણ પોતાનો અવાજ આપ્યો હતો.
