મત ન આપનારાઓને સજા કરવી જોઈએ: પરેશ રાવલ

મુંબઈ: બૉલિવૂડ એક્ટર પરેશ રાવલે મુંબઈના એક પોલિંગ બૂથ પર પોતાનો મત આપ્યો હતો. મતદાન કર્યા બાદ તેમણે મીડિયાને પોતાની આંગળી પરની શાહી બતાવી અને ચૂંટણીમાં મત ન આપનારાઓ પર નિશાન સાધ્યુ હતું. તેમણે કહ્યું કે,”જે લોકો મતદાન નથી કરતા તેમના માટે કેટલીક જોગવાઈઓ હોવી જોઈએ, જેમ કે ટેક્સમાં વધારો અથવા કોઈ અન્ય સજા.”

 

પોતાનો મત આપ્યા પછી અભિનેતા પરેશ રાવલે મીડિયા સાથે વાત કરી અને ચૂંટણીમાં ભાગ લેવાના મહત્વ પર ભાર મૂક્યો. અભિનેતાએ કહ્યું,”તો પછી તમે કહેશો કે, સરકાર આ નથી કરતી, તે નથી કરતી. જો તમે આજે મતદાન નહીં કરો તો, સરકાર નહીં, તમે જવાબદાર હશો.” રાવલે નાગરિકોને તેમની નાગરિક ફરજો માટે જવાબદારી નિભાવવા વિનંતી કરી હતી. રાવલે મતદાન ન કરનારને સજા કરવાનું પણ સૂચન કર્યું હતું. તેમણે કહ્યું, “જે લોકો મતદાન નથી કરતા તેમના માટે કેટલીક જોગવાઈઓ હોવી જોઈએ, જેમ કે ટેક્સમાં વધારો અથવા કોઈ અન્ય સજા.” સવારે અક્ષય કુમાર, શાહિદ કપૂર, સાન્યા મલ્હોત્રા, રાજકુમાર રાવ અને જાહ્નવી કપૂર સહિત ઘણી બોલીવુડ હસ્તીઓએ પણ મુંબઈની વિવિધ બેઠકો પરથી મતદાન કર્યું હતું.

મહારાષ્ટ્રમાં આજે કુલ 13 બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે. આ 13 સીટોમાંથી છ સીટો મુંબઈમાં છે. મુંબઈ ઉત્તર, મુંબઈ ઉત્તર પશ્ચિમ, મુંબઈ ઉત્તર પૂર્વ, મુંબઈ ઉત્તર મધ્ય, મુંબઈ દક્ષિણ અને મુંબઈ દક્ષિણ મધ્ય બેઠકો પર મતદાન ચાલી રહ્યું છે. આ સિવાય મહારાષ્ટ્રના ડિંડોરી, નાસિક, કલ્યાણ, પાલઘર અને ભિવંડી અને થાણેમાં પણ લોકો મતદાન કરી રહ્યા છે. અગ્રણી ઉમેદવારો પિયુષ ગોયલ, ઉજ્જવલ નિકમ અને શ્રીકાંત શિંદે સહિત અનેક નેતાઓનું ભાવિ આજે ઈવીએમમાં ​​સીલ થઈ જશે.