ચાંગા: ચારૂસેટ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટેના નવીનતમ પગલા અને પ્રયોગરૂપે સતત 12મા વર્ષે ચાર દિવસીય લિબરલ આર્ટ્સ વર્કશોપનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. ફેકલ્ટી ઓફ હ્યુમેનીટીઝ હેઠળના CLASS (ચરોતર ઇન્સ્ટિટ્યૂટ ઓફ લેંગ્વેજીસ, આર્ટસ એન્ડ સોશિયલ સ્ટડીઝ) દ્વારા આયોજિત આ વર્કશોપમાં પ્રોફેશનલ વિદ્યાશાખાઓના પ્રથમ વર્ષના 2322 વિદ્યાર્થીઓએ 30,000થી પણ વધારે મોડેલોનું સર્જન કરી શિક્ષણ જગતમાં નવો ઇતિહાસ સર્જ્યો છે.

આ કોર્સના શૈક્ષણિક કાર્યના ભાગરૂપે 10 માર્ચથી 13 માર્ચ, 2026 સુધી વર્કશોપનું આયોજન કરાયું હતું, જેમાં પેઈન્ટિંગ, ફોટોગ્રાફી, સ્કલ્પટિંગ, ડ્રામા, ડાન્સ અને મ્યુઝિક જેવા 15 જેટલા વિવિધ લિબરલ આર્ટ્સ કોર્સીસનો સમાવેશ કરવામાં આવ્યો હતો. ચારૂસેટના પ્રોવોસ્ટ ડો. અતુલ પટેલે આ ભવ્ય પ્રદર્શનને ખુલ્લું મૂક્યું હતું, જેની 5,000થી વધુ વિદ્યાર્થીઓ અને સ્ટાફ સભ્યોએ મુલાકાત લીધી હતી.

આ પ્રસંગે પ્રોવોસ્ટ ડો. અતુલ પટેલે કહ્યું કે, “ચારૂસેટના પ્રમુખ સુરેન્દ્ર પટેલના ‘વર્લ્ડ ક્લાસ યુનિવર્સિટી’ બનાવવાના સ્વપ્નને સાકાર કરવા લિબરલ આર્ટ્સ એક અભૂતપૂર્વ પગલું છે.” રજીસ્ટ્રાર ડો. બિનીત પટેલે ઉમેર્યું કે, “NEP 2020નું અમલીકરણ દેશમાં હવે થઈ રહ્યું છે, પરંતુ ચારૂસેટમાં તેની શરૂઆત છેક વર્ષ 2014થી કરવામાં આવી હતી.” CLASSના પ્રિન્સિપાલ ડો. ભાસ્કર પંડ્યાના માર્ગદર્શન હેઠળ આયોજિત આ વર્કશોપમાં 59 તજજ્ઞો, 12 કોર્સ કોર્ડીનેટર, 30 ઇન્સ્ટીટયુટ ફેકલ્ટી કોર્ડીનેટર અને 36 સ્ટુડન્ટ વોલેન્ટીઅરની ટીમે જહેમત ઉઠાવી હતી. આ કાર્યક્રમમાં સુનીલ આડેસરા, કનુ પટેલ અને પ્રદીપ પટેલ જેવા રાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતા કલાકારોએ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું.

અંતમાં ડિપાર્ટમેન્ટ ઓફ હ્યુમેનિટીઝના વડા ડો. કૌશિક ત્રિવેદીએ આંકડાકીય વિગતો આપતા કહ્યું કે, “આ ૧૨ વર્ષના સફળ પ્રવાસ દરમિયાન વિવિધ કળાઓમાં હજારો વિદ્યાર્થીઓએ નિપુણતા મેળવી છે, જેમાં ફોટોગ્રાફીમાં 10,234, મીડિયા એન્ડ ગ્રાફિક ડિઝાઈનમાં 6,161, પેન્ટિંગમાં 1,779, ડાન્સમાં 1,185, ડ્રામામાં 1,063, પોટરીમાં 462, આર્ટ એન્ડ ક્રાફ્ટમાં 386, સ્કલ્પટિંગમાં 343 તેમજ મ્યુઝિક અને ગિટાર જેવા વાદ્યોમાં સેંકડો વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે.”


