લોરેન્સ બિશ્નોઈ ગેંગનો સભ્ય ઝડપાયો! અમેરિકામાં હેરી બોક્સરની ધરપકડ

ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ(Lawrence Bishnoi)ના નજીકના સાથી અને હરિયાણાના મોસ્ટ વોન્ટેડ ગેંગસ્ટર હેરી બોક્સરની અમેરિકામાં ધરપકડ કરવામાં આવી હોવાના અહેવાલ સામે આવ્યા છે.

 

હરિયાણા STFના જણાવ્યા પ્રમાણે હેરી બોક્સરને અમેરિકામાંથી પહેલાં કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેની ધરપકડ કરવામાં આવી હતી. તે અમેરિકામાં રહીને લોરેન્સ બિશ્નોઈ ગેંગ(Lawrence Bishnoi Gang)નું નેટવર્ક ચલાવતો હોવાનો આરોપ છે.

રોહિત શેટ્ટીના ઘર બહાર ફાયરિંગની ઘટના

હેરી બોક્સર એ જ ગેંગસ્ટર છે, જેણે બોલિવૂડ ફિલ્મ નિર્માતા રોહિત શેટ્ટીના ઘરની બહાર થયેલા ફાયરિંગની જવાબદારી લીધી હોવાનો દાવો કર્યો હતો. આ ઘટના બાદ સોશિયલ મીડિયા પોસ્ટ અને ઓડિયો મારફતે બોલિવૂડની અનેક હસ્તીઓને ધમકી આપવામાં આવી હતી. તેમજ કેનેડામાં કપિલ શર્માના કેફે પર થયેલા ફાયરિંગ તેમજ અભિનેતા રણવીર સિંહ અને તુષાર કપૂરને આપવામાં આવેલી ધમકીઓના મામલામાં પણ તેનું નામ સામે આવ્યું હોવાનું જણાવવામાં આવે છે.

કોણ છે હરી બોક્સર?

હેરી બોક્સરનું અસલી નામ હરિચંદ જાટ હોવાનું કહેવાય છે. તે મૂળ રાજસ્થાનના કોટપુતલી-બહેરોડ જિલ્લાના બાંસુર વિસ્તારનો રહેવાસી છે. જયપુરમાં તેણે બોક્સિંગની તાલીમ લીધી હતી. આ કારણે તેને ‘બોક્સર’ નામ મળ્યું હતું. શરૂઆતમાં તે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતો હતો અને બોક્સિંગ કોચ તરીકે પણ કામ કરતો હતો. જોકે, બાદમાં તે ગુનાખોરીની દુનિયા તરફ વળ્યો.

અનેક ગંભીર ગુનાઓમાં નામ

હેરી બોક્સર સામે હત્યા, હત્યાનો પ્રયાસ, મારામારી, ફાયરિંગ, ધમકી અને વેપારીઓ પાસેથી ખંડણી માંગવા સહિતના અનેક ગુનાઓમાં સંડોવણીના આરોપો છે. દિલ્હી, રાજસ્થાન, પંજાબ અને હરિયાણામાં નોંધાયેલા અનેક ગુનાહિત કેસોમાં પણ તેનું નામ સામે આવ્યું છે. વિદેશમાં રહીને લોરેન્સ બિશ્નોઈ ગેંગના ખંડણી નેટવર્કને સંચાલિત કરવામાં તેની મહત્ત્વની ભૂમિકા હોવાનો આરોપ છે.

ભારત લાવવામાં આવી શકે છે

મળતી માહિતી અનુસાર, દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલ અને હરિયાણા STFના ઇનપુટના આધારે અમેરિકાની એજન્સીઓએ કેલિફોર્નિયામાં હેરી બોક્સરને કસ્ટડીમાં લીધો હતો અને ત્યારબાદ તેની ધરપકડ કરી હતી. હવે ભારતીય એજન્સીઓ કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરીને CBIની મદદથી તેને ભારત લાવવાની તૈયારી કરી શકે છે.

હેરી બોક્સરની પૂછપરછ ભારતીય તપાસ એજન્સીઓ માટે ખૂબ મહત્ત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. તેની પાસેથી લોરેન્સ બિશ્નોઈ ગેંગના આંતરરાષ્ટ્રીય નેટવર્ક, ખંડણી વસૂલાત, વિદેશમાં બેઠેલા સાગરીતો અને ભારતમાં થયેલા વિવિધ હુમલાઓ અંગે મહત્ત્વની માહિતી મળી શકે છે. જો પૂછપરછમાં નવા ખુલાસા થાય તો દેશના અનેક જૂના ગુનાહિત કેસોની તપાસને પણ નવી દિશા મળી શકે છે.