ઇન્ડોનેશિયામાં રવિવારે વહેલી સવારે એક મોટી કુદરતી આપત્તિ સામે આવી છે. જાસા અને સુમાત્રા ટાપુઓ વચ્ચે સુંડા સ્ટ્રેટમાં આવેલો અત્યંત સક્રિય માઉન્ટ અનાક ક્રાકાટોઆ જ્વાળામુખી એકાએક ભયાનક વિસ્ફોટ સાથે ફાટી નીકળ્યો છે. આ વિસ્ફોટના પરિણામે લાલચોળ લાવા આસપાસના જંગલ વિસ્તારને લપેટમાં લઈ રહ્યો છે, જ્યારે જ્વાળામુખીમાંથી નીકળેલી ઝેરી ગેસ અને રાખનો ગુબાર આકાશમાં આશરે 50,000 ફૂટ (15 કિલોમીટર)ની ઊંચાઈ સુધી ફેલાઈ ગયો છે.

ઝીરો વિઝિબિલિટીથી હવાઈ વ્યવહાર ઠપ્પ, એરપોર્ટ પર ભારે અફરાતફરી
જ્વાળામુખીની રાખ જકાર્તા, બેન્ટન અને પશ્ચિમ જાવા સુધી ફેલાઈ જતાં વિઝિબિલિટી શૂન્ય થઈ ગઈ છે. સુરક્ષાના કારણોસર જકાર્તાના સુકર્ણો-હટ્ટા ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી ઉડાન ભરતી 209 જેટલી સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. ફ્લાઇટો રદ થવાને કારણે એરપોર્ટ પર 170 વિમાનો રનવે પર થંભી ગયા છે અને 23,000થી વધુ મુસાફરો અટવાઈ પડ્યા છે. સિંગાપોર, હોંગકોંગ, સિડની, સોલ, દોહા અને કુઆલાલંપુર જતી ફ્લાઇટોને સૌથી વધુ અસર પહોંચી છે.
વિસ્ફોટની તીવ્રતા અને રાખના બે વિશાળ ગુબાર
મળતી માહિતી અનુસાર, શનિવારથી જ આ જ્વાળામુખીમાંથી ધુમાડો નીકળી રહ્યો હતો, પરંતુ રવિવારે સવારે 3:53 વાગ્યા આસપાસ સતત 30 સેકન્ડ સુધી ભારે વિસ્ફોટો થયા હતા. આ વિસ્ફોટ બાદ રાખના બે મોટા ધુમાડાના ગોટા નીકળ્યા હતા. પહેલો ગુબાર 20,000 ફૂટ ઊંચાઈ સુધી પહોંચીને ઉત્તર-પૂર્વ તરફ ફેલાયો હતો, જ્યારે બીજો ગુબાર 50,000 ફૂટની ઊંચાઈએ પહોંચી હિંદ મહાસાગર અને સુમાત્રા સુધી છવાઈ ગયો હતો.
સરકાર દ્વારા હેલ્થ એડવાઇઝરી જાહેર
રાહતની વાત એ છે કે આ વિસ્ફોટમાં હજુ સુધી કોઈ જાનહાનિના અહેવાલ નથી. જોકે, વર્ષ 2018માં આ જ્વાળામુખી ફાટવાથી સુનામી આવી હતી જેમાં 430 લોકોએ જીવ ગુમાવ્યા હતા. હાલ સ્થિતિને ધ્યાનમાં રાખીને તબીબી અને રાહત ટીમોને તૈનાત કરવામાં આવી છે. જે વિસ્તારોમાં રાખ પડી રહી છે ત્યાં લોકોને માસ્ક પહેરવા, આંખોનું રક્ષણ કરવા, પીવાનું પાણી ઢાંકીને રાખવા અને બિનજરૂરી બહાર ન નીકળવા કડક એડવાઇઝરી આપવામાં આવી છે. માછીમારોને પણ દરિયામાં ન જવાની સૂચના અપાઈ છે.

