કોલકાતા: મહિલા ડોક્ટર પર દુષ્કર્મ અને હત્યા કેસમાં સંજય રોય દોષિત જાહેર

કોલકાતાની સિયાલદાહ સેશન્સ કોર્ટે આરજી કર મેડિકલ કોલેજમાં 31 વર્ષીય તાલીમાર્થી ડોક્ટર પર બળાત્કાર અને હત્યા કેસમાં મુખ્ય આરોપી સંજય રોયને દોષિત ઠેરવ્યો છે. ન્યાયાધીશ અનિર્બાન દાસે સંજય રોયને ભારતીય દંડ સંહિતા (BNS) ની કલમ 64 (બળાત્કાર માટે સજા), 66 (મૃત્યુ માટે સજા) અને 103 (હત્યા) હેઠળ દોષિત ઠેરવ્યા. સિયાલદાહ કોર્ટના એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ અનિર્બાન દાસે ટ્રાયલ શરૂ થયાના 57 દિવસ પછી ચુકાદો સંભળાવ્યો. સંજય રોયને દોષિત ઠેરવતા ન્યાયાધીશે પોતાની ટિપ્પણીમાં કહ્યું, તમને સજા થવી જ જોઈએ.


સંજયે ન્યાયાધીશને પૂછ્યું, મને ફસાવનારા બીજા લોકોને કેમ છોડી મૂકવામાં આવી રહ્યા છે? આના જવાબમાં ન્યાયાધીશ અનિર્બાન દાસે કહ્યું, મેં બધા પુરાવાઓની બારીકાઈથી તપાસ કરી છે અને સાક્ષીઓને સાંભળ્યા છે અને ટ્રાયલ દરમિયાન દલીલો પણ સાંભળી છે. આ બધું જોયા પછી, મેં તને દોષી ઠેરવ્યો છે. તમે દોષિત છો. તને સજા થવી જ જોઈએ. કોર્ટ 20 જાન્યુઆરીએ સંજય રોયની સજાની જાહેરાત કરશે. ત્યાં સુધી તેમને ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે. આ કેસથી દેશવ્યાપી આક્રોશ ફેલાયો અને કોલકાતામાં લાંબા સમય સુધી વિરોધ પ્રદર્શન થયા, જેમાં મુખ્યત્વે ડોકટરો અને તબીબી કર્મચારીઓ સામેલ હતા.

ગયા વર્ષે 9 ઓગસ્ટના રોજ, આરજી કાર હોસ્પિટલના સેમિનાર હોલમાં એક મહિલા તાલીમાર્થી ડૉક્ટરનો મૃતદેહ અર્ધ નગ્ન હાલતમાં મળી આવ્યો હતો. કોલકાતા પોલીસે સીસીટીવી ફૂટેજ અને ગુનાના સ્થળેથી મળેલા પુરાવાના આધારે નાગરિક સ્વયંસેવક સંજય રોયની ધરપકડ કરી હતી. કોલકાતા હાઈકોર્ટના આદેશ પર, સીબીઆઈએ કેસ પોતાના હાથમાં લીધો અને તપાસ શરૂ કરી. કેન્દ્રીય તપાસ એજન્સીએ પણ તેની ચાર્જશીટમાં સંજય રોયને મુખ્ય આરોપી માન્યા હતા અને કોર્ટ પાસેથી તેમના માટે મૃત્યુદંડની માંગ કરી હતી.