બોલિવૂડ અભિનેત્રી અને ભાજપ સાંસદ કંગના રનૌતે ફરી એકવાર ગાંધી પરિવાર પર નિશાન સાધ્યું છે. આ વખતે તેમણે સોનિયા ગાંધીની બાયોગ્રાફીમાં થયેલા ખુલાસાઓને લઈને સવાલો ઉઠાવ્યા છે.

કંગનાએ ઇન્સ્ટાગ્રામ સ્ટોરી દ્વારા રાજીવ ગાંધીની હત્યા, મેનકા ગાંધીને પરિવારથી અલગ કરવા અને સોનિયા ગાંધીની નાગરિકતા જેવા મુદ્દાઓ પર ટિપ્પણી કરી હતી.
કંગનાએ કહ્યું કે સોનિયા ગાંધીની બાયોગ્રાફી પોતે જ એક મોટો ‘સેલ્ફ ગોલ’ છે. તેમણે રાહુલ ગાંધી પર કટાક્ષ કરતાં કહ્યું કે સેલ્ફ ગોલ કરવાની કળા તેમને તેમની માતા પાસેથી વારસામાં મળી છે.
મેનકા ગાંધીના પરિવારથી અલગ થવા અંગે પણ કંગનાએ સવાલો ઉઠાવ્યા હતા. તેમણે દાવો કર્યો કે રાજીવ ગાંધીની શરતને કારણે મેનકાને ગાંધી પરિવાર છોડવો પડ્યો હતો. બાયોગ્રાફીમાં મેનકાને પરિવારથી દૂર રાખવા પાછળ તેમના વિપક્ષી નેતાઓ સાથેના સંબંધોનો ઉલ્લેખ કરવામાં આવ્યો હોવાનું પણ કંગનાએ જણાવ્યું.
આ ઉપરાંત કંગનાએ સોનિયા ગાંધીની સંપત્તિ અને સ્વિસ બેંક ખાતાં અંગે પણ સવાલો કર્યા હતા. તેમણે સ્વિસ બેંકમાં કથિત રીતે અબજો ડોલર હોવાના દાવા ઉઠાવીને બાયોગ્રાફીમાં આ મુદ્દે સ્પષ્ટતા કેમ નથી કરવામાં આવી તેવો પ્રશ્ન કર્યો હતો.
જોકે, સ્વિસ બેંક ખાતાં અને સંપત્તિ અંગે કંગનાએ કરેલા આક્ષેપોની સ્વતંત્ર પુષ્ટિ થઈ નથી.






