સૂર્યકુમાર યાદવના ઘરે પારણું બંધાયું, લક્ષ્મીનું આગમન થયું

ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેટ્સમેન અને ટી-20 ફોર્મેટના બેતાજ બાદશાહ સૂર્યકુમાર યાદવના ઘરે ખુશીઓએ દસ્તક આપી છે. IPL 2026 ની ધમાકેદાર સીઝન વચ્ચે સૂર્યા અને તેની પત્ની દેવિશા શેટ્ટી પ્રથમવાર માતા-પિતા બન્યા છે. દેવિશાએ મુંબઈની હોસ્પિટલમાં સુંદર દીકરીને જન્મ આપ્યો છે. આ સમાચાર સામે આવતા જ ક્રિકેટ જગતમાં અને સોશિયલ મીડિયા પર ચાહકો તેમજ સાથી ખેલાડીઓ દ્વારા અભિનંદનની વર્ષા કરવામાં આવી રહી છે. સૂર્યાએ પોતાની મહેનત અને પ્રતિભાથી મેદાન પર તો અનેક રન બનાવ્યા છે, પરંતુ હવે તેના અંગત જીવનમાં આ ‘નન્હી પરી’ના આવવાથી એક નવો અધ્યાય શરૂ થયો છે.

સૂર્યકુમાર યાદવ અને દેવિશા શેટ્ટીની લવ સ્ટોરી કોઈ ફિલ્મી વાર્તાથી ઓછી નથી. આ બંનેની મુલાકાત કોલેજના દિવસોમાં થઈ હતી અને વર્ષ 2016 માં તેઓ લગ્નગ્રંથિથી જોડાયા હતા. લગ્નના લાંબા સમય બાદ હવે તેમના ઘરે પ્રથમ સંતાનનું આગમન થયું છે. ઉલ્લેખનીય છે કે, ટી-20 વર્લ્ડ કપ 2026 માં સૂર્યાની કપ્તાની હેઠળ ટીમ ઈન્ડિયા ચેમ્પિયન બની હતી. વર્લ્ડ કપ જીત્યા બાદ જ્યારે સૂર્યા અને દેવિશા પ્રથમવાર જાહેરમાં જોવા મળ્યા હતા, ત્યારે જ દેવિશાનો બેબી બમ્પ નજરે પડ્યો હતો, જેના કારણે ચાહકોમાં આ ખુશખબર અંગે પહેલેથી જ ઉત્તેજના જોવા મળી હતી.

ગયા મહિને એટલે કે માર્ચ 2026 માં દેવિશા શેટ્ટીના બેબી શાવર (શ્રીમંત પ્રસંગ) નો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો હતો. આ વીડિયોમાં સૂર્યકુમાર યાદવ પોતાની પત્નીનો હાથ પકડીને હોલમાં પ્રવેશતા જોવા મળ્યા હતા અને ખૂબ જ ખુશ જણાતા હતા. આ વીડિયો બાદ તે સ્પષ્ટ થઈ ગયું હતું કે સૂર્યા જલ્દી જ પિતા બનવા જઈ રહ્યા છે. અંતે 7 એપ્રિલ 2026 ના રોજ આ કપલને માતા-પિતા બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. આ નન્હી પરીના આવવાથી યાદવ પરિવારમાં દિવાળી જેવો માહોલ સર્જાયો છે.

IPL 2026 ની વાત કરીએ તો, મુંબઈ ઇન્ડિયન્સની આગામી મેચ 10 એપ્રિલના રોજ રાયપુરના શહીદ વીર નારાયણ સિંહ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) સામે થવાની છે. મુંબઈ ઇન્ડિયન્સ માટે આ એક હાઈ-વોલ્ટેજ મુકાબલો છે, પરંતુ ઘરે દીકરીનો જન્મ થયો હોવાથી એવી પ્રબળ શક્યતા છે કે સૂર્યકુમાર યાદવ આ મેચમાં રમતા જોવા નહીં મળે. તે હાલમાં પોતાના પરિવાર સાથે સમય વિતાવવા માટે બ્રેક લઈ શકે છે. જોકે, ફ્રેન્ચાઈઝી તરફથી આ અંગે હજુ કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.

સૂર્યકુમાર યાદવના મૂળ વિશે વાત કરીએ તો, તેમનો જન્મ ભલે મુંબઈમાં થયો હોય પરંતુ તેમના માતા-પિતા ઉત્તર પ્રદેશના ગાઝીપુરના વતની છે. સૂર્યાએ ખૂબ જ નાની ઉંમરમાં વારાણસીમાં તેના કાકા વિનોદ કુમાર યાદવની દેખરેખ હેઠળ ક્રિકેટ રમવાનું શરૂ કર્યું હતું. IPL ની આ સીઝનમાં સૂર્યાનું બેટ ભલે થોડું શાંત રહ્યું હોય, પરંતુ તેના જીવનમાં આવેલી આ ખુશી તેના તમામ ગમને દૂર કરી દેશે. ચાહકો હવે આતુરતાથી સૂર્યાની દીકરીની પ્રથમ ઝલક જોવા માટે રાહ જોઈ રહ્યા છે.