કેમ ડોનાલ્ડ ટ્રમ્પનો શપથ ગ્રહણ મહોત્સવ ખુલ્લા ન રાખ્યો?

ડોનાલ્ડ ટ્રમ્પને અમેરીકાની જનતાએ ફરી એક વખત રાષ્ટ્રપ્રમુખ તરીકે ચૂન્યા હતા. બહુમતી સાથે ડોનાલ્ડ ટ્રમ્પનો વિજય થયો હતો. જે બાદ આજે એટલે કે 20મી જાન્યુઆરીના રોજ ડોનાલ્ડ ટ્રમ્પ સત્તાવાર રીતે અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ તરીકે શપથ ગ્રહણ કરવાના છે. અમેરિકાના સમય અનુસાર બપોરે 12 વાગ્યે અને ભારતીય સમય પ્રમાણે રાત્રે 10.30 કલાકે તેઓ શપથ લેશે. જોકે શપથવિધિ અગાઉ અમેરિકામાં કુદરતનો કેર જોવા મળી રહ્યો છે. જેના કારણે ટ્રમ્પે સમર્થકોને રસ્તા પર ઉજવણી ન કરવા અપીલ પણ કરી છે.

ડોનાલ્ડ ટ્રમ્પ વોશિંગ્ટન પહોંચી ગયા છે. તેઓ ફ્લોરિડાથી પોતાના પરિવાર સાથે ખાસ વિમાનમાં વોશિંગ્ટન પહોંચ્યા હતા. આ ફ્લાઇટને સ્પેશિયલ એર મિશન-47 નામ આપવામાં આવ્યું હતું. મિશન-47નો અર્થ એ છે કે ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના 47મા રાષ્ટ્રપતિ બનશે. એક તરફ, ટ્રમ્પના વિરોધીઓ તેમના શપથ ગ્રહણથી ગુસ્સે છે, તો બીજી તરફ, તેમના સમર્થકો નિરાશ છે. નિરાશાનું કારણ સંસદની અંદર યોજાનારા શપથ ગ્રહણ સમારોહ છે. ટ્રમ્પના સમર્થકો તેમના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવા માટે ઉત્સાહિત હતા. તેઓ મોટી સંખ્યામાં હાજર રહેવાના હતા, પરંતુ કાર્યક્રમ સંસદની અંદર યોજાતો હોવાથી તેમની ઇચ્છાઓ નિષ્ફળ ગઈ. અગાઉ 1985માં પણ ઈનડોર શપથવિધિ યોજાઇ હતી. અમેરિકામાં શપથવિધિના કાર્યક્રમની શરૂઆત સવારથી જ શરૂ થઈ જશે. સૌથી પહેલા ચર્ચમાં પ્રાર્થના સભા યોજાશે. પછી ટ્રમ્પ અને તેમના પત્ની મેલાનિયા તથા બાઈડેન અને તેમના પત્ની જિલ બાઈડેન વ્હાઇટ હાઉસમાં ચા પીશે. બાદમાં બંનેનો કાફલો કેપિટલ હિલ બિલ્ડિંગ પહોંચશે. સંગીત કાર્યક્રમ યોજાશે. પછી રાષ્ટ્રપમુખ અને ઉપરાષ્ટ્રપ્રમુખની શપથવિધિ યોજાશે. શપથવિધિ બાદ ડોનાલ્ડ ટ્રમ્પ સભાને સંબોધિત કરશે. જો બાઈડેન અને કમલા હેરિસને સન્માન સાથે વિદાઇ આપવામાં આવશે. જે પછી ટ્રમ્પ અને જેડી વાન્સ પરેડમાં સૈનિકોની સલામી લેશે.