ટ્રમ્પને ચૂંટણી લડવા અટકાવાથી વિવેક રામાસ્વામી ભડક્યા

કોલોરાડોઃ US કેપિટલ હિંસા મામલે અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને મોટો આંચકો લાગ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પને કોલોરાડો સુપ્રીમ કોર્ટે રાષ્ટ્રપતિપદ માટે અયોગ્ય ઠેરવ્યા છે. ટ્રમ્પને અયોગ્ય ઠેરવાતાં રિપબ્લિકન પાર્ટીના રાષ્ટ્રપતિપદની ઉમેદવાર વિવેક રામારાસ્વામીએ કોલોરાડોમાં GOPના પ્રાથમિક મતદાનથી દૂર હટવાનો સંકલ્પ લીધો છે.

ભારતીય મૂળના બિઝનેસમેન અને રાષ્ટ્રપતિની ચૂંટણી લડી રહેલા વિવેક રામાસ્વામી ભડકી ગયા હતા. તેમણે ચેતવણી આપી હતી કે જો ચુકાદો પરત લેવામાં નહીં આવે તો તેઓ કોલોરાડોથી તરત હટી જશે. તેમણે સમર્થકોને પણ આગળ આવવા અપીલ કરી હતી. તેમણે આ ચુકાદાને ગેરકાયદે ગણાવતાં અમેરિકા માટે વિનાશકારી પરિણામ સામે આવવાની ચેતવણી ઉચ્ચારી હતી.

જાન્યુઆરી, 2021ની કેપિટલ હિંસામાં સામેલ હોવાને કારણે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ચૂંટણી માટે અયોગ્ય ઠેરવવામાં આવ્યા છે. કોલોરાડો સુપ્રીમ કોર્ટે 4-3ના બહુમતથી એ ચુકાદો આપ્યો છે. એ સાથે કોર્ટે ટ્રમ્પને અયોગ્ય ઠેરવવા બદલ અમેરિકી બંધારણના 14મા સંશોધનની કલમ ત્રણ વિદ્રોહને લાગુ કરી છે.

કોલોરાડોના છ મતદારોના જૂથે સપ્ટેમ્બરમાં ડોનાલ્ડ ટ્રમ્પને 2024માં રાજ્યમાં મતદાન કરવાથી અવરોધવા માટે દાવો દાખલ કર્યો હતો. તેમણે દાવો કર્યો હતો કે બંધારણીય જોગવાઈને કારણે તેમને રોકવામાં આવ્યા હતા. કલમ ત્રણ જણાવે છે કે કોઈ પણ વ્યક્તિ યુનાઈટેડ સ્ટેટ્સના અધિકારી તરીકે સેવા આપી શકશે નહીં, જેણે અગાઉ યુનાઈટેડ સ્ટેટ્સ સામે બળવો કરીને સંઘીય કાર્યાલયના શપથ લીધા હોય. મુકદ્દમામાં દાવો કરવામાં આવ્યો હતો કે ટ્રમ્પે તેમના સમર્થકોના ટોળા દ્વારા US કેપિટોલમાં હુલ્લડ અને વિદ્રોહને ઉશ્કેર્યો હતો.