નવી દિલ્હી- એક ભારતીય દંપતીના નામે યુએઈમાં દિલચસ્પ રેકોર્ડ નોંધાયો છે. હકીકતમાં અત્યાર સુધીમાં યુએઈના જે કાયદાઓને બદલાની કોઈ કલ્પના પણ ન કરી શકતું તેને એક ભારતીય દંપતિએ સંભવ કરી બતાવ્યું છે. તમને નવાઈ લાગશે પણ હાલમાં જ યુએઈ સરકારે તેમના કડક કાયદામાં ફેરફાર કરીને ત્યાં જન્મેલી 9 મહિનાની બાળકીને જન્મ તારીખનો દાખલો આપી દીધો છે. આ બાળકીના પિતા હિંદુ અને માતા મુસ્લિમ છે. સોશિયલ મીડિયા પર આ મુદ્દે ઘણી ચર્ચાઓ થઈ રહી છે. યુએઈના કડક કાયદાને જોતાં આ નિર્ણય કોઈ ક્રાંતિથી ઓછો નથી.
મીડિયા રિપોર્ટ અનુસાર, અન્ય દેશમાંથી આવીને યુએઈમાં વસતા નાગરિકો માટે લગ્નને લઈને કડક કાયદા છે. અહીંના કાયદા અનુસાર મુસ્લિમ પુરુષ હિંદુ અથવા કોઈ અન્ય ધર્મની મહિલા સાથે લગ્ન કરી શકે છે, જ્યારે કોઈ મુસ્લિમ મહિલાને અન્ય ધર્મના પુરુષ સાથે લગ્ન કરવાની મંજૂરી નથી.
ખલીઝ ટાઈમ્સના એક રિપોર્ટ અનુસાર ભારતીય કપલ કિરણ બાબુ અને સનમ સાબુ સિદ્દિકીએ વર્ષ 2016માં કેરળમાં લગ્ન કર્યાં હતાં. પરંતુ બિજનેસને લઈને કિરણ તેમની પત્ની સાથે યુએઈના શારજહાંમાં રહેવા લાગ્યો હતો. વર્ષ 2018માં યુએઈની હોસ્પિટલમાં સનમે દિકરીને જન્મ આપ્યો પરંતુ પુત્રીના જન્મ બાદ તેમને બર્થ સર્ટિફિકેટ નહતું આપવામાં આવ્યું.
કિરણ બાબુએ મીડિયાને જણાવ્યું કે મારી પાસે અબુ ધાબીના વીઝા છે. મેં ત્યાં વીમો કરાવીને મારી પત્નીને Medeor 24X7 હોસ્પિટલમાં દાખલ કરી છે. પરંતુ હું હિંદૂ હોવાને કારણ બાળકીના જન્મબાદ સરકારે બર્થ સર્ટિફિકેટ આપવાની મનાઈ કરી દીધી હતી.
વધુમાં તેમણે જણાવ્યું કે, કાયદાની મદદ લઈને મેં બર્થ સર્ટિફિકેટ માટે અરજી કરી હતી. અંદાજે 4 મહિના સુધી સુનાવણી ચાલ્યા બાદ મારા કેસને ફગાવી દેવામાં આવ્યો. એ દિવસો અત્યંત તણાવ ભરેલા હતાં. બાળકીને ઈમિગ્રેશનની મંજૂરી આપવાની મનાઈ કરી દીધી કારણ કે તેમના જન્મને સાબિત કરવા માટે કોઈ ડેટા કે રજીસ્ટ્રેશન નંબર ન હતાં. પરંતુ ઈન્ડિયન એમ્બેસીએ અમારી ઘણી મદદ કરી. ઈન્ડિયન એમ્બેસીના કાઉન્સિલર એમ.રાજામુરગને આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન ઘણો સપોર્ટ કર્યો.
કિરણ બાબુને 14 એપ્રિલના રોજ તેમની પુત્રી અનમતાનું બર્થ સર્ટિફિકેટ મળી ગયું છે. યુએઈના ઈતિહાસમાં પ્રથમ વખત આવી ઘટના બની છે કે, જ્યારે અહીંના કાયદાની વિરુદ્ધ જઈને કોઈ નિર્ણય આપવામાં આવ્યો હોય.