ઈમરાન-ટ્રમ્પ વચ્ચે મુલાકાતઃ કાશ્મીર પર શું થઇ વાત?

નવી દિલ્હીઃ સ્વીટ્ઝર્લેન્ડના દાવોસમાં ચાલી રહેલા વર્લ્ડ ઈકોનોમિક ફોરમથી અલગ પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મુલાકાત કરી. આ દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પે એકવાર ફરીથી પાકિસ્તાનને કાશ્મીર મુદ્દે મદદની રજૂઆત કરી. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, તેઓ કાશ્મીરની સ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યા છે.

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈમરાન ખાન સાથે મીડિયાને સંબોધિત કરતા કહ્યું કે, અમે કાશ્મીર પર પણ વાત કરી રહ્યા છીએ કે ત્યાં ભારત અને પાકિસ્તાન વચ્ચે શું થઈ રહ્યું છે. જો અમે આના પર કોઈ મદદ કરી શકીશું તો તે મદદ જરુર કરીશું. અમે આના પર નજીકથી નજર રાખી રહ્યા છીએ.

ગત વર્ષે ઓગસ્ટમાં જમ્મૂ-કાશ્મીરને મળેલા વિશેષ રાજ્યનો દરજ્જો ખતમ થવા અને તેને બે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં વહેંચ્યા બાદ ટ્રમ્પે ચોથી વાર કાશ્મીર પર મદદનો પ્રસ્તાવ આપ્યો છે. જો કે ભારત સ્પષ્ટ કરી ચૂક્યું છે કે કાશ્મીર ભારત-પાકિસ્તાન વચ્ચે દ્વિપક્ષીય મુદ્દો છે અને આમાં કોઈ ત્રીજા દેશની મધ્યસ્થતા સ્વીકાર્ય નથી.