ચીનમાં એક એવા ખનીજનો મબલખ ભંડાર મળી આવ્યો છે જે ચીનને 60,000 વર્ષ સુધી અખૂટ ઊર્જા આપી શકે છે. ચીનમાં જે બહુમૂલ્ય ખનીજનો અધધધ ખજાનો મળી આવ્યો છે એનું નામ છે થોરિયમ. ચીનના ભૂસ્તરશાસ્ત્રીઓએ દાવો કર્યો છે કે થોરિયમનો એટલો મોટો જથ્થો મળી આવ્યો છે કે એનાથી ચીનને 60,000 વર્ષ સુધી અખૂટ ઊર્જા મળી રહેશે. પ્રાપ્ત માહિતી પ્રમાણે ચીનના ઉત્તર ભાગમાં આવેલા ‘ઈનર મોંગોલિયા’ (આંતરિક મોંગોલિયા) પ્રાંતમાં આવેલા ‘બાયાન ઓબો’ ખાણ પરિસરમાંથી થોરિયમનો વિપુલ ખજાનો મળી આવ્યો છે. હકીકતમાં ત્યાં લોખંડ મેળવવા માટે ખોદકામ કરાઈ રહ્યું હતું, જે દરમિયાન થોરિયમનો વિશાળ ભંડાર મળી આવ્યો હતો. આ ક્ષેત્ર આમ પણ દુર્લભ ખનીજો ધરાવતો દુનિયાનો સૌથી મોટો વિસ્તાર ગણાતું આવ્યું છે, એમાં હવે થોરિયમનો ‘થપ્પો’ થતાં એનું મહત્વ ઔર વધી ગયું છે.
થોરિયમ શું છે? કેમ છે ખાસ?
- થોરિયમ (Thorium) એક કિરણોત્સર્ગી ધાતુ છે, જે ચાંદીની જેમ સફેદ અને ચળકતું હોય છે.
- યુરેનિયમ કરતાં 200 ગણું વધુ ઊર્જા ઉત્પન્ન કરી શકે છે.
- સામાન્ય પરમાણુ રિએક્ટર કરતા **‘મોલ્ટેન-સોલ્ટ રિએક્ટર’ (MSR)**માં ઓછો કિરણોત્સર્ગી કચરો ઉત્પન્ન થાય છે.
- પરંપરાગત ઊર્જા સ્ત્રોતના વિકલ્પ રૂપે ઉभरતું સ્વચ્છ અને શક્તિશાળી ઊર્જા સ્ત્રોત બની શકે છે.
યુરેનિયમમાંથી ઊર્જા મેળવવા માટે પરંપરાગત પરમાણુ રિએક્ટરનો ઉપયોગ કરવામાં આવે છે, પણ થોરિયમમાંથી ઊર્જા મેળવવા માટે ‘મોલ્ટેન-સોલ્ટ રિએક્ટર’ (MSR) ની જરૂર પડે છે. એની અંદર થોરિયમને લિથિયમ ફ્લોરાઈડ સાથે મિશ્રિત કરીને 1400 ડીગ્રી સેન્ટિગ્રેડના તાપમાને ગરમ કરવામાં આવે છે. આ પ્રક્રિયા થોરિયમને યુરેનિયમ-233માં પરિવર્તિત કરે છે, જે પછી વિભાજનમાંથી પસાર થઈને ઊર્જા મુક્ત કરે છે. પરંપરાગત પરમાણુ રિએક્ટરની સરખામણીમાં MSR દ્વારા થતી પ્રક્રિયામાં ઓછો કિરણોત્સર્ગી કચરો ઉત્પન્ન થાય છે. હાલ ચીનમાં વિશ્વનું પહેલું ‘મોલ્ટેન-સોલ્ટ રિએક્ટર’ બનાવવામાં આવી રહ્યું છે. વર્ષ 2030 સુધીમાં તેનું નિર્માણકાર્ય પૂરું થઈ જવાની ધારણા છે.
એક અંદાજ મુજબ ‘બાયાન ઓબો’ ખાણ પરિસરમાંથી 10 લાખ ટન થોરિયમ કાઢવામાં આવી શકે છે. ચીન દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે ચીનના પશ્ચિમમાં શિનજિયાંગથી દક્ષિણમાં ગુઆંગડોંગ સુધીના વિસ્તારમાં થોરિયમનો સમૃદ્ધ ભંડાર ધરાવતા કુલ 233 સ્થળો છે. અલબત્ત, આ દાવામાં કેટલું સત્ય છે એ કહી ન શકાય. દરેક સારી વસ્તુ પોતાની સાથે અમુક પડકાર પણ લઈને આવે છે, એ હકીકત થોરિયમને પણ લાગુ પડે છે. થોરિયમને જમીનમાંથી કાઢવા માટે એસિડ અને ઊર્જાના મિશ્રણની જરૂર પડે છે. આ પ્રક્રિયા કેટલી ખર્ચાળ સાબિત થશે, એ બાબતે અત્યારે કોઈ માહિતી નથી. વૈશ્વિક ઊર્જા-સંકટનો રામબાણ ઉકેલ બની શકે એવું થોરિયમ જોખમી પણ બની શકે એમ છે. થોરિયમનો પરમાણુ શસ્ત્રો બનાવવા માટે સીધો ઉપયોગ કરી શકાતો નથી, પણ તેની બાય-પ્રૉડક્ટ્સ (પેટા-ઉત્પાદનો)નો આ બાબતે દુરુપયોગ થઈ શકે છે. આમ થાય તો વૈશ્વિક સુરક્ષાની ચિંતા ઊભી થશે. થોરિયમ થકી અમર્યાદિત ઊર્જા તો મળશે, પણ એના ભેગું એના દુરુપયોગની તલવાર પણ માનવજાતને માથે લટકતી રહેશે.
