કોલંબોઃ રવિવારના રોજ શ્રીલંકામાં ઈતિહાસનો સૌથી ભીષણ હુમલો થયો. આ દેશમાં 8 સીરિયલ બ્લાસ્ટમાં અત્યાર સુધી 290 જેટલા લોકોના મોત થયા છે. મૃતકોની સંખ્યા સતત વધી રહી છે. તો આ તરફ શ્રીલંકાની પોલીસે અત્યાર સુધી 24 સંદિગ્ધોની ધરપકડ કરી છે. આ હુમલાને લઈને પહેલાંથી જ એલર્ટ હતું.
10 દિવસ પહેલાના એલર્ટ અનુસાર શ્રીલંકાને એક વિદેશી ગુપ્તચર સંસ્થાએ સતર્ક કર્યું હતું. આમાં કહેવામાં આવ્યું હતું કે કોલંબોમાં મોટા ચર્ચ અને ભારતીય ઉચ્ચાયોગને નિશાન બનાવવાનું ષડયંત્ર છે. આમાં નેશનલ તૌહીદ જમાત નામના એક કટ્ટરપંથી સંગઠનનું નામ લેવાયું હતું. નેશનલ તૌહીદ જમાત પર કટ્ટરપંથી વહાબી વિચારધારાના પ્રચારનો આરોપ લાગતો રહ્યો છે. આ સંગઠન ગત વર્ષે પણ ચર્ચામાં આવ્યું હતું, જ્યારે શ્રીલંકામાં બૌદ્ધ મૂર્તિઓ તોડવાનો પણ આરોપ લાગ્યો હતો.
શ્રીલંકાનો આ હુમલો હચમચાવી નાંખનારો છે કારણ કે શ્રીલંકામાં 10 વર્ષની શાંતિ બાદ આતંકની વાપસી થઈ છે. શ્રીલંકા એક એવો દેશ છે જેણે 30 વર્ષ સુધી ગૃહ યુદ્ધ અને આતંકવાદને સહન કર્યો છે. 2009માં ગૃહ યુદ્ધના ખાત્મા બાદ શ્રીલંકામાં શાંતિ આવી, પરંતુ હવે ફરીથી આતંકી હુમલો થતા શ્રીલંકામાં ચિંતા વ્યાપી છે.
રવિવારના રોજ ઈસાઈ ધર્મના અનુયાયિઓ માટે ઈસ્ટરનો પવિત્ર દિવસ હતો. આતંકવાદીઓએ કત્લેઆમ માટે આ જ દિવસને પસંદ કર્યો. તેમણે શ્રીલંકાની રાજધાની કોલંબોના મોટા ચર્ચોને ટાર્ગેટ કર્યા. પ્રથમ બ્લાસ્ટ સવારે 8 વાગ્યે અને 45 મીનિટ પર રાજધાની કોલંબોના કૈથેલિક ચર્ચ સેંટ એંથનીમાં થયો. બીજો બ્લાસ્ટ કોલંબોના બાહરી વિસ્તારના નેગોંબોમાં સેંટ સ્બૈસ્ટિયન ચર્ચમાં થયો. ત્યારબાદ તુરંત જ કોલંબોથી 300 કિલોમીટર દૂર બૈટીક્લો શહેરના એક ચર્ચમાં ત્રીજા બ્લાસ્ટના સમાચાર સામે આવ્યા.
ત્યારબાદ કોલંબોની ત્રણ ફાઈવ સ્ટાર હોટલમાં વિસ્ફોટ થયા, જેમાં શંગરીલા, સિનૈમોન ગ્રૈંડ, અને કિંગ્સબરીનો સમાવેશ થાય છે. બાદમાં બે બ્લાસ્ટ થયા જેમાં કોલંબોના નેશનલ ઝુ પાસે એક હોટલ અને બીજો બ્લાસ્ટ ડમેટોગોડાના એક ઘરમાં વિસ્ફોટ થયો.
શ્રીલંકાઈ મીડિયા અનુસાર 8 જગ્યાઓ પૈકી 2 જગ્યાઓ પર હુમલો થયો તેમાં આત્મઘાતી હુમલાખોર શામિલ હતા. બાદમાં શ્રીલંકન સરકારે કન્ફર્મ કર્યું કે મોટાભાગના હુમલાઓમાં આત્મઘાતી હુમલાખોર શામિલ હતા. એ પણ જણાવવામાં આવ્યું કે હુમલાને એક સંગઠનના લોકોએ સુનિયોજિત ષડયંત્ર અંતર્ગત અંજામ આપ્યો. શ્રીલંકાની પોલીસે કોલંબોના એક ઘરમાં રેડ કરીને 7 સંદીગ્ધોની અટકાયત કરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર આ છાપેમારીમાં અને સંદિગ્ઘોને પકડવામાં શ્રીલંકાની પોલીસના 3 ઓફિસરો માર્યા ગયા છે. પોલીસનું કહેવું છે કે અમે ચોક્કસપણે ન કહી શકીએ કે આ હુમલા પાછળ કોણ જવાબદાર છે. આજથી 10 દિવસ પહેલા શ્રીલંકાની પોલીસે આતંકી હુમલા મામલે એલર્ટ જાહેર કર્યું હતું. આમાં કહેવાયું હતું કે ઈસ્લામિક કટ્ટરપંથી સંગઠનોનો શ્રીલંકાની મોટી ચર્ચો પર હુમલો કરવાનો પ્લાન છે.
આશરે 2 કરોડની વસતી ધરાવતા શ્રીલંકામાં બૌદ્ધ ધર્મના લોકો બહુસંખ્યક છે. આ દ્વિપીય દેશમાં 70 ટકા આબાદી બોદ્ધ ધર્મને માનનારી છે. આ સીવાય આશરે 12 ટકા હિંદૂ, 10 ટકા આબાદી મુસ્લિમ અને આશરે સાડાસાત લાખ આબાદી ઈસાઈ ધર્મના લોકોને માનનારા લોકોની છે.
શ્રીલંકાએ સિંધલી અને તમિલ સંઘર્ષને પણ જોયો છે. તાજેતરના દિવસોમાં જ બૌદ્ધ અને મુસ્લિમ સંપ્રદાય વચ્ચે ટકરાવ પણ જોવા મળ્યો છે, પરંતુ ઈસાઈ સમુદાયને નિશાન બનાવવા પાછળનું આતંકીઓનું માઈન્ડ સેટ શું છે? કોણ ગુનેગાર છે? આ તમામ મુંઝવણમાં મુકનારા અને સળતા સવાલો છે. અત્યારસુધી કોઈપણ સંગઠને આ હુમલાની જવાબદારી લીધી નથી. તો શ્રીલંકાની પોલીસ ચોક્કસપણે એપણ નથી કહી શકતી કે શંકાની સોય કોના પર છે.