ઈરાન મામલે ભારત પર પણ પ્રતિબંધ લગાવી શકે છે અમેરિકા!

નવી દિલ્હી- અમેરિકા ઈરાનને ચોતરફથી ઘેરવા માટે અન્ય દેશો પર પણ દબાણ વધારવાના પ્રયત્નો કરી રહ્યું છે. રોયટર્સના રિપોર્ટ અનુસાર યુએસ સોમવારે  ઈરાનના તમામ ક્રૂડ આયાતકર્તા દેશોને ચેતવણી આપવા જઈ રહ્યું છે કે, જો તમામ દેશો સંપૂર્ણ રીતે ઈરાન પાસેથી ક્રૂડની આયાત બંધ નહીં કરે તો, યુએસ એવા દેશો પર પણ પ્રતિબંધ મુકી શકે છે.

સુત્રોના જણાવ્યા અનુસાર ગત વર્ષે અમેરિકા પ્રશાસને ઈરાનથી ક્રૂડની આયાતને લઈને લગાવેલા પ્રતિબંધો સામે જે દેશોને છૂટ આપી હતી તે પરત લેવા જઈ રહ્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પે તેમની રાષ્ટ્રીય સુરક્ષા ટીમને સ્પષ્ટ કરી દીધુ છે કે, તે ઈરાનના ક્રૂડની આયાતને લઈને આપવામાં આવી રહેલી છૂટને ખત્મ કરવા ઈચ્છે છે.

અમેરિકાએ ઈરાન સાથે ન્યૂક્લિયર ડીલ ખત્મ કરી દીધી હતી અને ત્યાર બાદ અનેક પ્રકારના પ્રતિબંધો પણ ઈરાન પર લાદી દીધા હતાં. અમેરિકા ઈરાનને પરમાણુ કાર્યક્રમ પર આગળ વધવા અને મધ્ય-પૂર્વમાં ચરમપંથીઓને સમર્થન આપવાથી રોકવા માટે તેમના પર દબાણ મુકવાની કોશિશ કરી રહ્યું છે.

ઈરાન પર પ્રતિબંધની સાથે જ વોશિગ્ટને 8 દેશોને 180 દિવસ માટે ઈરાન પાસેથી ક્રૂડની ખરીદીની છૂટ આપી હતી. આ દેશોમાં ચીન, ભારત, જાપાન, દક્ષિણ કોરિયા, તાઈવાન, તુર્કી, ઈટલી અને ગ્રીસનો સમાવેશ થાય છે.

વોશિગ્ટન પોસ્ટમાં છપાયેલા રિપોર્ટ અનુસાર રાજ્ય સચિવ માઈક પોમ્પિયો ટુંક સમયમાં જ જાહેરાત કરી શકે છે કે, હવે ઈરાનથી ક્રૂડ ઓઈલની આયાત કરવા મામલે કોઈ પણ દેશને કોઈપણ પ્રકારની છૂટ આપવામાં નહીં આવે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ચીન અને ભારત ઈરાની ક્રૂડના પ્રમુખ આયાતકર્તા દેશો છે. જો તે ટ્રમ્પની માગ અનુસાર નહીં ચાલે તો, આ દેશો સાથેના દ્રિપક્ષીય સંબંધોમાં ખટાશ પડી શકે છે, અને વેપાર સહિત તમામ મુદ્દા પર વિવાદ થઈ શકે છે.

ક્રૂડ ઓઈલની આયાત નિકાસ પર નજર રાખતી કંપની રેફિનિટીવ એકોનના ડેટા અનુસાર એપ્રિલ મહિનામાં ઈરાનના ક્રૂડની નિકાસ પ્રતિદિન 10 લાખ બેરલની સરેરાશ કરતા નીચે જતી રહી છે. ગત વર્ષે મે મહિનામાં પ્રતિબંધો લાગુ થયા પહેલા ઈરાનના ક્રડૂની નિકાસ અંદાજે 2.5 મિલિયન બેરલ પ્રતિદિવસથી પણ વધુ હતી.

ભારતને ઈરાક અને સાઉદી અરબ બાદ ઈરાન ત્રીજા ક્રમનું સૌથી મોટું ક્રૂડ-ઓઈલનો જથ્થો પુરો પાડતો દેશ છે. નાણાંકીય વર્ષ 2017-18ના શરુઆતના 10 મહિનામાં ઈરાને ભારતને 1.84 કરોડ ટન ક્રૂડની નિકાસ કરી હતી. વિદેશ પ્રધાન સુષમા સ્વરાજે અમેરિકાના ઈરાન પર પ્રતિબંધને માનવા અંગે કહ્યું હતું કે, યૂએન ઉપરાંત કોઈ અન્ય દેશો જેવા કે યુએસે ઈરાન પર લાદેલા પ્રતિબંધોનું પાલન કરવા માટે ભારત પ્રતિબંદ્ધ નથી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]