કાઠમંડુ/નવી દિલ્હી: નેપાળમાં ગઈ વહેલી સવારે 2.12 વાગ્યે 6.6ની તીવ્રતાનો ભૂકંપ ત્રાટક્યો હતો. આ કુદરતી આફતે પશ્ચિમી જિલ્લા દોતીમાં 6 જણનો ભોગ લીધો છે. મૃતકોમાં એક મહિલા અને બે બાળકનો પણ સમાવેશ થાય છે. બીજાં અનેક લોકો ઘાયલ થયા છે. ઘણા મકાનો અને ઘરો જમીનદોસ્ત થયા છે. બચાવ કામગીરી ચાલી રહી છે. ભૂકંપ આવ્યા બાદ કેટલાક આફ્ટરશોક્સ પણ આવ્યા હતા. 24 કલાકમાં ભૂકંપના બે મોટા આંચકા આવ્યા હતા. દોતી જિલ્લામાં ત્રણનાં મરણ થયા છે. ભૂકંપનું કેન્દ્રબિંદુ દોતી જિલ્લામાં ખાપતાડ નેશનલ પાર્કમાં હોવાનું માલુમ પડ્યું છે. 2015માં નેપાળમાં આવેલા ભયાનક ભૂકંપમાં 9,000થી વધારે લોકો માર્યા ગયા હતા.
નેપાળના ભૂકંપના આંચકાની અસર ભારતના પાટનગર દિલ્હી, ઉત્તરાખંડ સહિતના વિસ્તારોમાં પણ થઈ હતી. દિલ્હી અને પિઠોરાગઢ સહિત ઉત્તરાખંડના ભાગોમાં ધરતીકંપનો 4.3ની તીવ્રતાનો આંચકો લાગ્યો હતો.