ઈસ્લામાબાદઃ આતંકપરસ્ત હોવાના આરોપને પાકિસ્તાન ભલે ફગાવતું હોય પરંતુ પાકિસ્તાન આતંકનો ઉપયોગ ભારત વિરુદ્ધ કરી રહ્યું છે અને આરોપ પુરાવો સામે આવ્યો છે. પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફે આ વાતનો સ્વીકાર કર્યો છે કે તેમના કાર્યકાળ દરમિયાન પાકિસ્તાનની ગુપ્તચર એજન્સીએ જૈશ-એ-મહોમ્મદની મદદ દ્વારા ભારતમાં આત્મઘાતી હુમલા કરાવ્યા હતા.
પ્રાપ્ત વિગતો અનુસાર પાકિસ્તાની પત્રકાર નદીમ મલિક સાથે ફોન પર વાત દરમિયાન મુશર્રફે આતંકીઓ વિરુદ્ધ કરવામાં આવી રહેલી કાર્યવાહીને લઈને તહરીક એ ઈન્સાફના પગલાની સરાહના કરી. પરવેઝ મુશર્રફે કહ્યું કે હું હંમેશાથી જૈશ એ મહોમ્મદને આતંકી સંગઠન માનતો આવ્યો છું. ડિસેમ્બર 2003માં પાકિસ્તાને ઝંડા ચીચીએ મુશર્રફના કાફલા પર જૈશે ફિદાયીન હુમલો કરાવ્યો હતો, જેમાં તેઓ માંડ-માંડ બચ્યા હતા.
2001 થી 2008 સુધી પાકિસ્તાનના રાષ્ટ્રપતિ રહેલા મુશર્રફે જૈશ પર બેન લગાવવાના બે વાર પ્રયત્ન કર્યા હતા. વિશ્વ સ્તર પર અન્ય દેશોનો દબાવ સહન કરી રહેલી પાકિસ્તાની સરકારે મંગળવારના રોજ જૈશ-એ-મહોમ્મદના મસૂદ અઝહરના ભાઈ અને દિકરા સહિત 44 આતંકીઓની ધરપકડ કરી.
મુશર્રફે પોતાના કાર્યકાળનો ઉલ્લેખ કરતા કહ્યું કે મારા કાર્યકાળ દરમિયાન બંન્ને દેશની ગુપ્તચર એજન્સીઓ એકબીજાના દેશમાં હુમલો કરાવી રહી હતી. આ દરમિયાન મે પણ જૈશ-એ-મહોમ્મદ વિરુદ્ધ પ્રતિબંધને લઈને વધારે જોર ન આપ્યું. આપને જણાવી દઈએ કે મુશર્રફનું નિવેદન અને પાકિસ્તાની સેનાના નિવેદનમાં વિરોધાભાસ જોવા મળી રહ્યો હતો. પાકિસ્તાની સેનાનું કહેવું છે કે જૈશ એ મહોમ્મદ જેવું કોઈ સંગઠન દેશમાં છે જ નહી.
તો ગત સપ્તાહે પાકિસ્તાનના વિદેશ પ્રધાન શાહ મહમૂદ કુરેશીએ કહ્યું હતું કે પાકિસ્તાન સરકાર જૈશ એ મહોમ્મદના શીર્ષ નેતૃત્વના સંપર્કમાં છે. પુલવામા હુમલાને લઈને જૈશ-એ-મહોમ્મદે જણાવ્યું કે તેમને આ હુમલા સાથે કોઈ લેવા-દેવા નથી. કુરેશીએ એ પણ કહ્યું હતું કે અઝહર પાકિસ્તાનમાં જ છે અને ખૂબ બિમાર છે.