નવી દિલ્હીઃ પુલવામા આતંકી હુમલાની ઘટનાનો જવાબ આપતાં ભારતીય વાયુસેનાએ કરેલી આકરી કાર્યવાહી બાદથી પાકિસ્તાને પોતાનું એરસ્પેસ હવાઈસેવાઓ માટે બંધ કરેલું છે. જેમાં હવે પાકિસ્તાને ભારતને કહ્યું છે કે તે પોતાની વાણિજ્યિક ઉડાનો માટે ત્યાં સુધી પોતાના હવાઈ ક્ષેત્રને નહીં ખોલે, જ્યાં સુધી ભારતીય વાયુસેનાના અગ્રીમ એરબેઝથી લડાકૂ વિમાનોને ભારત હટાવી ન લે.
પાકિસ્તાનના વિમાનન સચિવ શાહરુખ નુસરતે એક સંસદીય સમિતિને આ જાણકારી આપી છે. પુલવામા આતંકવાદી હુમલાના જવાબમાં બાલાકોટમાં જૈશ-એ-મહોમ્મદના આતંકવાદી ઠેકાણાઓ પર કરવામાં ભારતીય વાયુસેનાના હુમલા બાદ પાકિસ્તાને 26 ફેબ્રુઆરીના રોજ પોતાનું હવાઈ ક્ષેત્ર પૂર્ણ રીતે બંધ કરી દીધું હતું.
પ્રાપ્ત વિગતો અનુસાર વિમાનન સચિવ નુસરતે સીનેટની સ્થાયી સમિતિને જાણકારી આપી કે તેમના વિભાગે ભારતીય અધિકારીઓને સૂચના આપી છે કે તેમનું હવાઈ ક્ષેત્ર ભારતના ઉપયોગ માટે ત્યાં સુધી ઉપલબ્ધ નહીં રહે, જ્યાં સુધી ભારત અગ્રિમ એરબેઝ પરથી પોતાના લડાયક વિમાનોને હટાવી ન લે. નુસરતે સમિતિને જણાવ્યું કે ભારત સરકારે અમારી સાથે સંપર્ક કરીને હવાઈક્ષેત્ર ખોલવા અનુરોધ કર્યો હતો. અમે તેમને પોતાના આ ચિંતાઓથી અવગત કરાવ્યાં કે પહેલાં ભારતે પોતાના અગ્રીમ એરબેઝ પર તહેનાત પોતાના લડાકૂ વિમાનોને નિશ્ચિત રુપે હટાવવા જોઈએ.
તેમણે સમિતિને જણાવ્યું કે ભારતીય અધિકારીઓએ પાકિસ્તાન સાથે સંપર્ક કરીને હવાઈ ક્ષેત્ર પ્રતિબંધ હટાવવાનો અનુરોધ કર્યો છે. નુસરતે કહ્યું કે ભારતીય અધિકારીઓને જણાવવામાં આવ્યું છે કે ભારતીય વાયુસેનાના એરબેઝ પરથી જ્યાં સુધી લડાયક વિમાન હટાવવામાં નહી આવે ત્યાં સુધી પાકિસ્તાન ભારતને પોતાના હવાઈ ક્ષેત્રમાં વિમાનનું ઓપરેટિંગ કરવાની મંજૂરી નહી આપે. મહત્વનું છે કે પાકિસ્તાનના પ્રતિબંધ બાદથી તમામ યાત્રી વિમાનોને ભારત દ્વારા વૈકલ્પિક માર્ગો પર પરિચાલિત કરવામાં આવી રહ્યાં છે.