ઈસ્લામાબાદ– ભારતીય સીમામાં એફ-16 લઈને ધસી આવનાર પાકિસ્તાનને જડબાતોડ જવાબ ભારતીય એરફોર્સે આપ્યો એની ‘અભિનંદન કથા’ એ દુનિયાભરમાં પાકિસ્તાન માટે નીચાજોણું કર્યું છે. ત્યારે હજુપણ ભારતદ્વેષને લઇને પાકિસ્તાને આ ઘટનામાંથી એક અલગ મુદ્દાને આગળ કરીને યુનાઈટેડ નેશન્સમાં ફરિયાદ કરવાની તૈયારીઓ કરી છે.
સામરિક અને કૂટનીતિ પર બેકફૂટ પર આવી ગયેલ પાકિસ્તાન ભારત સામે ઈકો ટેરરિઝમને આગળ ધરી ફરિયાદ કરવાનું છે. પાકિસ્તાને છેડેલી આ નવી લડાઈમાં પર્યાવરણ નુકસાનને પોતાનું શસ્ત્ર બનાવ્યું છે. પાકિસ્તાનનું કહેવું છે કે ભારતે એર સ્ટ્રાઈક કરીને પાકિસ્તાનની પારિસ્થિકીને નુકશાન કર્યું છે.
ઈમરાનખાન સરકારના ક્લાઈમેટ ચેન્જ ખાતાના પ્રધાન મલિક અમીન અસલમે જણાવ્યું હતું કે ભારતીય વાયુસેનાની બોમ્બાર્ડિંગથી અમારા ફોરેસ્ટ રીઝર્વને નુકસાન થયું છે. અમે આ કારણે થયેલાં પર્યાવરણ નુકસાનની
સમીક્ષા કરાવી રહ્યાં છીએ. આ નુકસાન સમીક્ષા રીપોર્ટ સંયુક્ત રાષ્ટ્રમાં ભારતની વિરુદ્ધ ફરિયાદનો મુખ્ય આધાર બનશે. અસલમે કહ્યું કે ત્યાં જે થયું તે પર્યાવરણીય આતંકવાદ છે. ત્યાં ડઝનબંધ કરતાં વધુ પાઈન વૃક્ષો તૂટી પડ્યાં છે. આ પર્યાવરણને પહોંચેલું એક મોટું નુકસાન છે. પાકિસ્તાની પ્રધાને ભારતની કાર્યવાહીને ઇકો ટેરરીઝમ હેઠળ ગણવાની માગણી કરી છે.
ઉલ્લેખનીય છે તે ભારતે 26 ફેબ્રુઆરીએ વહેલી પરોઢે એર સ્ટ્રાઈક કરી પાકિસ્તાનની સીમામાં જઈને બાલાકોટમાં જૈશે મહંમદના આતંકી ઠેકાણાં નષ્ટ કર્યાં હતાં. પાકિસ્તાને બીજા દિવસે તેની એરફોર્સને એફ-16 સાથે ભારતમાં હુમલો કરવા મોકલી હતી જેને ભારતીય વાયુસેનાએ ખદેડી મૂકી હતી. એટલું જ નહીં તેના એક એફ16ને તોડી પાડવાની કાર્યવાહીમાં પાયલટ અભિનંદન પાકિસ્તાની સીમામાં પકડી લેવામાં આવ્યાં હતાં. જેને પાકિસ્તાને પહેલી માર્ચે રાત્રે જ ભારતને સોંપી દેવો પડ્યો છે. ત્યારે બધી બાજુથી માર ખાધેલ પાકિસ્તાન વેરની નવી લડાઈ લઈને વધુએકવાર વિશ્વ સમક્ષ ભારત વિરુદ્ધ ફરિયાદ કરવા તૈયાર છે.