નવી દિલ્હી- ભારતે અખરોટ, બદામ સહિતના 29 અમેરિકન ઉત્પાદનો પર કસ્ટમ ડ્યૂટીમાં વધારો કર્યો છે, પરંતુ આનાથી દેશી ઉત્પાદકો, વ્યાપારીઓ અને સરાકારી તિજોરીને મોટો ફાયદો થતો નથી દેખાઈ રહ્યો. ટ્રેડર્સનું કહેવું છે કે, આના કારણે ગેરકાયદે વેપાર વધશે અને મોટા પ્રમાણમાં અમેરિકન વસ્તુઓ અફઘાનિસ્તાન અને અન્ય દેશો મારફતે ભારતીય બજારમાં આવશે. જેથી ગ્રાહકોની ખિસ્સા પર પણ ભારણ આવશે અને ઓર્ગેનાઈઝ્ડ બિજનેસ પણ ખરાબ થશે. સ્થાનિક બજારોમાં આના સંકેતો મળવા લાગ્યા છે.
ડ્રાય ફ્રૂટ્સના હોલસેલ હબ ખારી બાવલીમાં ઈન્ડો-અફઘાન ચેમ્બર ઓફ કોમર્સના જનરલ સેક્રેટરી વિકાસ બંસલે કહ્યું કે, ભારતે આ નિર્ણય અમેરિકાની સામે જવાબી કાર્યવાહીમાં કર્યો છે, પરંતુ આ કોઈના હિતમાં નથી. હવે એ જ માલસામાન અફઘાન ઓરિજનના ટેગ સાથે અટારી અને અન્ય રૂટ મારફતે ભારત આવશે, અને સ્મગલરો મોટી કમાણી કરશે. લીગલ ટ્રેડર્સને મોટો આંચકો લાગશે. તેમણે જણાવ્યું કે, છેલ્લા કેટલાક દિવસોથી અખરોટના વેપારમા આ અસર જોવા મળી રહી છે. હાફ ટેરિફને કારણે કશ્મીરી અખરોટની ડિમાન્ડ અને વેચાણ તો ન વધ્યુ પરંતુ શ્રીનગર અને અટારી રૂટથી અમેરિકન અખરોટની ગેરકાયદે આવક થતી રહી છે.
ભારતે પાકિસ્તાની ઉત્પાદનો પર પહેલા જ કસ્ટમ ડ્યૂટી વધારી રાખી છે, પરંતુ અફઘાન ઓરિજન વ્યાપાર સામાન્ય દરો પર થતો રહ્યો છે. ખારી બાવલીમાં 90 ટકા બદામ અમેરિકાના કેલિફોર્નિયાથી આવે છે. ભારતમાં વાર્ષિક 70 કરોડ ડોલર બદામ કેલિફોર્નિયાથી આવે છે. પરંતુ હવે અડધી-પોણી કિંમતે આ જ માલ અફઘાનિસ્તાન, ઈરાન, ઓસ્ટ્રેલિયા, અન્ય એશિયાઈ દેશોથી ભારતમાં આવશે. જો કે, તહેવારો પર વધુ માગને પગલે અમે મોંઘી ડ્યૂટી પર પણ માલ મગાવશે, પરંતુ ગેરકાયદે વેપારની આગળ બજારમાં ટકી રહેવું મુશ્કેલ હશે.
ટ્રેડર્સનું કહેવું છે કે, સ્થાનિક બજારોમાં છેલ્લા 1 વર્ષમાં અખરોટ અને બદામની કિંમતોમાં 30 ટકાની તેજી નોંધાઈ છે, પરંતુ હવે ડ્યૂટી 120 ટકા સુધી વધ્યા બાદ રેટ આ જ ગુણોત્તરમાં વધી શકે છે. ટેરિફની હલચલ અમેરિકાના સપ્લાયર્સમાં પણ છે.