નવી દિલ્હીઃ અમેરિકી સ્પેસ એજન્સી નાસાએ ચિંતા વ્યક્ત કરતા કહ્યું છે કે ભારત દ્વારા કરવામાં આવેલા એન્ટી સેટેલાઈટ મિસાઈલ પરીક્ષણના કારણે અંતરિક્ષમાં કાટમાળના આશરે 400 ટુકડાઓ ભેગાં થયાં છે, જેના કારણે આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશન માટે જનારા એસ્ટ્રોનોટ્સને મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.
નાસા દ્વારા આ વાત તેમના પ્રમુખ જિમ બ્રિડેનસ્ટાઈને કહી. નાસાના કર્મચારીઓને સંબોધિત કરતાં તેમણે ભારત દ્વારા પાંચ દિવસ પહેલા કરવામાં આવેલા ટેસ્ટનો ઉલ્લેખ કર્યો. બ્રિડેનસ્ટાઈને કહ્યું કે તમામ ટુકડાઓ એટલા મોટા નથી કે તેમને ટ્રેક કરી શકાય. તેમણે કહ્યું કે અમારી તેના પર નજર છે અને અમે મોટા ટુકડાઓને ટ્રેક કરી રહ્યા છીએ. અમે લોકો 10 સેન્ટીમીટરથી મોટા ટુકડાઓની વાત કરી રહ્યા છીએ. એવા અત્યાર સુધી 60 ટુકડા મળ્યા છે. તેમણે કહ્યું કે આશરે 24 ટુકડાઓ ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન ઉપર ચાલ્યા ગયા છે.
બ્રિડેન્સટાઈને કહ્યું કે આ ભયાનક, અત્યંત ભયાનક છે. તેના કારણે કાટમાળ આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશનથી પણ ઉપર જઈ રહ્યો છે. આ પ્રકારના પગલાથી ભવિષ્યમાં માનવને અંતરિક્ષમાં મોકલવો મુશ્કેલ બની જશે. તેમણે કહ્યું કે આ પ્રકારના ટેસ્ટ અમને સ્વીકાર્ય નથી.
નાસા પ્રમુખે કહ્યું કે અમેરિકી સેના આ પ્રકારના ટુકડાઓને અંતરિક્ષમાં ટ્રેક કરતી રહે છે, જેથી અંતરિક્ષ સ્પેસ સ્ટેશનમાં તેમના ટકરાવવાની શક્યતાઓનો ખ્યાલ આવી શકે. સેના અત્યારે 10 સેન્ટીમીટરથી મોટા આશરે 23 હજાર ઓબ્જેક્ટને ટ્રેક કરી રહી છે, જેમાં 10 હજાર ટુકડા સ્પેસ કાટમાળનો પાર્ટ છે. આ 10 હજાર ટુકડાઓમાંથી ત્રણ હજાર ટુકડાઓ ચીન દ્વારા 2007 માં કરવામાં આવેલા એન્ટી-સેટેલાઈટ ટેસ્ટના કારણે બન્યા હતા. હવે ભારત દ્વારા કરવામાં આવેલા ટેસ્ટનું કારણ છેલ્લા દસ દિવસમાં જ આઈએસએસ સાથે ટકરાવવાની શક્યતાઓ 44 ટકા વધી ગઈ છે.