વોશિંગ્ટન- અમેરિકાના ન્યાય વિભાગના સ્પેશિયલ કાઉન્સેલ(વિશિષ્ટ સલાહકાર) રોબર્ટ મૂલરે બુધવારે જાહેરાત કરી હતી કે તેમણે રાજીનામું આપી દીધું છે. અલ જઝીરાના અહેવાલ પ્રમાણે મૂલરે આપેલા સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે આ સાથે તેઓ સ્પેશિયલ કાઉન્સેલની ઓફિસ પણ બંધ કરી રહ્યાં છે. છેલ્લા 22 મહિનાથી 2016ની અમેરિકાના રાષ્ટ્રપતિ ચૂંટણી દરમિયાન રશિયાની દખલ મામલે વ્યાપક તપાસ ચાલી રહી હતી. આ તપાસના પરિણામ સ્પષ્ટ કરવા બાબતે અને એટર્ની જનરલ સાથે રિપોર્ટ સોંપવા બાબતે મૂલરનો વિવાદ રહ્યો હતો.
મૂલરં ગત એપ્રિલમાં સોંપેલા રિપોર્ટમાં સ્પષ્ટ કર્યું હતું કે મોસ્કો અને ડોનાલ્ડ ટ્રમ્પના કેમ્પેઈન સાથે કોઈ ષડયંત્રનો સંબંધ નથી. જોકે મૂલરે રિપોર્ટમાં એવા દસ બનાવો તરફ ખાસ ધ્યાન દોર્યું હતું જેમાં ડોનાલ્ડ ટ્રમ્પે એમની તપાસને અવરોધવાનો પ્રયાસ કર્યો હોય.
ડોનાલ્ડ ટ્રમ્પ સહિત અમેરિકાના અગ્રણી નેતાઓએ પણ ચૂંટણીમાં કોઈ ષડયંત્ર ન હોવાની ને ‘સબ ખેરિયત’ની વાતને સમર્થન આપ્યું છે. વ્હાઈટ હાઉસની પ્રેસ સેક્રેટરીએ તો લોકોને સલાહ આપી છે કે સ્પેશિયલ કાઉન્સેલે એમનું કામ પૂરું કર્યું ને એ હવે એમના જીવનમાં આગળ વધી રહ્યાં છે. હવે બીજા બધાંઓએ પણ પોતપોતાના જીવનમાં આગળ વધવું જોઈએ.