અંતાક્યાઃ તુર્કી અને સિરિયામાં ભૂકંપથી અત્યાર સુધી 15,000થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તઇપ એર્દોગને રાહત અને બચાવ કાર્યમાં ખામીઓને સ્વીકારી છે. ઓનલાઇન ટીકા વધવાથી તેમણે ભૂકંપના સૌથી વધુ પ્રભાવિત સ્થાનોમાંથી એકની મુલાકાત લીધી હતી. ભૂકંપના કેન્દ્ર કહારનમારસમાં રાહત કાર્યમાં સમસ્યાઓનો સ્વીકાર કરતાં તેમણે કહ્યું હતું કે હા, ખામીઓ છે. એ સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યું છે કે આ પ્રકારને ઇમર્જન્સી માટે તૈયાર રહેવું સંભવ નથી.
તુર્કીમાં આવેલા ભૂકંપને કારણે હજારો ઇમારતો કડડડભૂસ થઈ હતી. બિલ્ડિંગોમાં હજી પણ લોકો ફસાયેલા છે. રાહત કાર્યોમાં ઠંડીને કારણે અડચણો આવી રહી છે. લોકો અસહાય થઈને મદદ માગી રહ્યા છે, પણ મદદ નથી મળી. તુર્કીના એક કિંડરગાર્ટન શિક્ષક સેમિર કોબને કહ્યું હતું કે મારો ભત્રીજો, મારી ભાભી અને તેમના બહેન કાટમાળમાં દબાયેલાં છે. અમે તેમના સુધી પહોંચી નથી શકતા. અમે તેમની સાથે વાત કરવાના પ્રયાસ કરી રહ્યા છીએ, પણ તેઓ જવાબ નથી આપી રહ્યા. અમે મદદની રાહ જોઈ રહ્યા છીએ. હવે 48 કલાક થઈ ગયા છે. આ ભૂકંપ આ સદીનો સૌથી ઘાતક ભૂકંપોમાંનો એક છે. તુર્કી મોબાઇલ નેટવર્ક પર પણ ટ્વિટર કામ નથી કરી રહ્યું. ભૂકંપથી બચેલા લોકોને ભોજન અને આશ્રય મેળવવા માટે તુર્કીમાં સંઘર્ષ કરવો પડી રહ્યો છે.
પ્રત્યેક પડેલી ઇમારતો નીચે 400-500 લોકો ફસાયેલા છે. માત્ર 10 લોકો તેમને બહાર કાઢવાના પ્રયાસ કરી રહ્યા છે અને કોઈ મશીનરી નથી. સિરિયાના વિદ્રોહીઓના કબજાવાળા વિસ્તારોમાં કાટમાળ નીચે દબાયેલા લોકોને બચાવવા માટે વ્હાઇટ હેલ્મેટ્સ આંતરરાષ્ટ્રીય મદદની અપીલ કરી હતી.