મેક્સિકો- મેસ્કિકોમાં ગતરોજ પ્રેસિડેન્ટ પદની ચૂંટણી માટે મતદાન સંપન્ન થયું. આ ચૂંટણીમાં વિરોધ પક્ષના નેતા એન્ડ્રેસ લોપેઝ ઓબરાડોરનો વિજય થયો. હવે તે મેક્સિકોના આગામી પ્રેસિડેન્ટ બનશે. તેમણે સત્તાધારી પક્ષ PRIના ઉમેદવાર જોસ મીડેને પરાજય આપ્યો છે.મેક્સિકોની પ્રેસિડેન્ટની ચૂંટણી હિંસાથી ભરેલી રહી. મતદાનના દિવસે જ બે નેતાઓની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. તો ચૂંટણી પ્રચાર પણ હિંસક રહ્યો હતો. ચૂંટણી પ્રચાર દરમિયાન થયેલી હિંસામાં આશરે 145 રાજકીય નેતાઓ માર્યા ગયા હતા.
સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું કે વર્કર્સ પાર્ટીના ફ્લોરા રેજનડીઝ ગોન્ઝાલીઝની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ સ્થાનિક સમય પ્રમાણે સવારે છ વાગ્યે તેમના ઘરે હુમલાખોરોએ તેમની હત્યા કરી હતી.
ઈન્સ્ટીટ્યૂશનલ રિવોલ્યુશનરી પાર્ટીના (PRI) નેતા ફર્નાન્ડો હેરેરા સિલ્વાની પણ ઓકોલિહુયામાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. એક નિવેદનમાં ઈન્સ્ટીટ્યૂશનલ રિવોલ્યુશનરી પાર્ટી તરફથી જણાવવામાં આવ્યું છે કે, અમે સરકાર પાસે મતદન પ્રક્રિયા દરમિયાન સુરક્ષાની માગણી કરી હતી. જોકે સરકારે આ અંગે કોઈ ધ્યાન આપ્યું નહતું અને પ્રેસિડેન્ટની ચૂંટણી લોહીયાળ બની હતી.