ફ્રેન્કફર્ટઃ જર્મન એરલાઇન્સ લુફ્થાન્સાના પાઇલટ આ સપ્તાહે ફરી એક વાર હડતાળ પર જશે, એમ લેબર યુનિયને જણાવ્યું હતું. યુનિયને કહ્યું હતું કે પગારધોરણના વિવાદને કારણે પાઇલટો આ સપ્તાહે હડતાળ પાડશે. આ હડતાળથી પેસેન્જરોને મુશ્કેલીઓ પડશે.
આ હડતાળથી એરલાઇનના બંને પેસેન્જર અને કાર્ગો ડિવિઝનના પાઇલટોને અસર થશે, જેથી સેંકડો ફ્લાઇટ્સ કેન્સલ કરવી પડશે. આ ગ્રુપમાં 5000થી વધુ પાઇલટો છે, જેને લીધે પેસેન્જરો અને કામકાજને પ્રતિકૂળ અસર પડશે, એમ વેરિનિગન્ગ કોકપિટ (VC) યુનિયને જણાવ્યું હતું. પેસેન્જર ફ્લાઇટ ઉડાડતા પાઇલટો બુધવારે અને ગુરુવારે હડતાળ પાડશે, જ્યારે કાર્ગો પાઇલટો બુધવારથી શુક્રવાર સુધી હડતાળ પર જશે. VC યુનિયન મોંઘવારીમાં વધારો થવાને કારણે આ વર્ષે 5.5 ટકાનો પગારવધારો માગી રહ્યું છે.
ગયા સપ્તાહે જર્મન એરલાઇન્સ લુફથાન્સાના પાઇલટોએ શુક્રવારે હડતાળ પર જતાં એરલાઇન્સે 800 ફ્લાઇટ્સને રદ કરવી પડી હતી. આ ફ્લાઇટ્સ રદ થતાં 1,30,000 પેસેન્જરો પર પ્રતિકૂળ અસર પડી હતી. આ પહેલાં જુલાઈમાં એરલાઇન્સના લોજિસ્ટિક્સ અને ટિકટિંગ કર્મચારીઓએ એક દિવસ હડતાળ પાડતાં આશરે 1000 ફ્લાઇટસ રદ કરવી પડી હતી.