વોશિગ્ટન- સરકારી કામકાજને ફરીથી ઠપ થતાં બચાવવા અને અમેરિકા-મેક્સિકો સરહદ પર દિવાલ બનાવવાને લઈને અમેરિકન સાંસદો વચ્ચે સમજૂતી થઈ ગઈ છે. સોમવારે રાતે થયેલી આ સહમતી હેઠળ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને દિવાલ બનાવવા માટે 1.4 અબજ ડોલરનું ફંડ મળશે. સંસદિય સહયોગીના અનુસાર ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટી કોઈ પણ રીતે ફરીથી સરકારી કામકાજ ઠપ થાય તેવું નથી ઈચ્છી રહી. આ સ્થિતિમાં તેમણે દિવાલ બનાવવા માટે હાલ પુરતા જે ફંડની ફાળવણી થઈ છે તેનાથી સમજૂતી કરવી પડી છે.
ટ્રમ્પે આ માટે 5.1 અબજ ડોલરની માગ કરી હતી, પરંતુ હાલ તેને માત્ર 1.4 અબજ ડોલરનું ફંડ મળ્યું છે. આ રકમમાંથી અંદાજે 55 માઈલ લાંબી ફેન્સિંગ વાડ થઈ શકે છે. આ વાડ સ્ટિલની હશે, જોકે, ટ્રમ્પે કોંક્રિટની દિવાલ બનાવવાનું વચન આપ્યું હતું. વાઈટ હાઉસ દ્વારા ડિસેમ્બરમાં 215 માઈલ લાંબી દિવાલ બનાવવાની વાત કરી હતી. હાલ જે ભંડોળ ફાળવવામાં આવ્યું છે તેમાંથી ટેક્સાસની રિયો ગ્રેંડ વેલીમાં દિવાલનું નિર્માણ કરવામાં આવશે.
સેનેટ એપ્રોપ્રિએશન સમિતિના અધ્યક્ષ રિચર્ડ શેલ્બીએ કહ્યું કે, અમારી વચ્ચે સૈદ્ધાંતિક સહમતી બની છે. આ અંગેની વિસ્તૃત માહિતી આગામી દિવસોમાં આપવામાં આવશે. મહત્વનું છે કે, સાંસદો વચ્ચે આ સમજૂતી આ સપ્તાહે ફરીથી સરકારી કામકાજ ઠપ થવાના ખતરાને કારણે થઈ છે.
સહયોગીઓનું કહેવું છે કે, અસ્થાઈ હોવાને કારણે આ સમજૂતી અંગેની જાણકારી જાહેર કરવામાં નથી આવી, હાલ તેને ગુપ્ત રાખવામાં આવી છે.