કબજામાં લીધેલા જહાજમાંથી ઈરાને 9 ભારતીય ખલાસીઓને મુક્ત કર્યા

તેહરાન – ઈરાને જુલાઈના આરંભમાં તેણે પોતાના કબજામાં લીધેલા જહાજ MT રિયાહ પરના 12 ભારતીય ખલાસીઓમાંથી 9 જણને મુક્ત કર્યા છે.

તે છતાં હજી 21 ભારતીયો ઈરાનમાં અટકાયત હેઠળ છે.

આમાં 3 ખલાસી MT રિયાહ જહાજના છે અને 18 બ્રિટિશ ઓઈલ ટેન્કર સ્ટેના ઈમ્પેરોનાં છે. ઓઈલ ટેન્કરને ઈરાની દરિયાઈ ચોકિયાતોએ ગયા અઠવાડિયે તેના કબજામાં લીધું હતું.

સ્ટેના ઈમ્પેરો ઓઈલ ટેન્કરે આંતરરાષ્ટ્રીય દરિયાઈ નિયમોનો ભંગ કર્યો હોવાના દાવા સાથે ઈરાનીયન રિવોલ્યૂશનરી ગાર્ડ્સના જવાનોએ તેને હોર્મુઝ સામુદ્રધુનિમાં કબજે કર્યું હતું.

તેહરાન સ્થિત ભારતીય દૂતાવાસના અધિકારીઓને જોકે ઈમ્પેરો પરના 18 ભારતીય ખલાસીઓને મળવા દેવાની છૂટ આપવામાં આવી હતી.

3 ભારતીય રાજદૂતોની ટીમ અટકાયત હેઠળના ભારતીય ખલાસીઓને મળ્યા હતા.

રાજદૂતોએ કહ્યું છે કે તમામ ભારતીય ખલાસીઓ સ્વસ્થ છે. એમને જલદી મુક્ત કરવામાં આવે એ માટે ઈરાની સત્તાવાળાઓને સમજાવવાના ભારત સરકાર પ્રયાસો કરી રહી છે અને પ્રયાસો ચાલુ જ રાખશે.