ભારત-પાક અનુરોધ કરે તો મધ્યસ્થી માટે તૈયાર: UN મહાસચિવ

નવી દિલ્હી- પુલવામા આતંકી હુમલા બાદ એક તરફ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી ગયો છે, તો બીજી તરફ સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ એન્તોનિયો ગુતારેસે નવી દિલ્હી અને ઈસ્લામાબાદને અપીલ કરી છે કે,બંન્ને દેશો સંયમથી કામ કરે અને તણાવ ઘટાડવા માટે તાત્કાલિક પગલા ભરે.  સાથે જ મહાસચિવે કહ્યું છે કે, જો બંન્ને પક્ષો અનુરોધ કરે તો, સંયુક્ત રાષ્ટ્ર મધ્યસ્થી કરાવવા માટે તૈયાર છે.

મહત્વનું છે કે, આ પહેલા ગત સપ્તાહે ગુતારેસે આતંકવાદી હુમલાની આકરી નિંદા કરી હતી. આતંકવાદી હુમલા બાદ તેમણે કહ્યું હતું કે, અમે ઘાયલોને જલ્દી સ્વસ્થ થવાની કામના કરીએ છીએ અને હુમલો કરનારાઓને ન્યાયના દાયરા હેઠળ લાવવાનું આહ્વાન કરીએ છીએ.

તમને જણાવી દઈએ કે, 14 ફેબ્રુઆરીના રોજ પુલવામા માં સીઆરપીએફના કાફલા પર થયેલા આતંકી હુમલામાં 40 જવાનો શહિદ થયાં હતાં. ત્યાર બાદ ભારતે આ હુમલા માટે ઈસ્લામાબાદને જવાબદાર ગણાવ્યું હતું, જોકે પાકિસ્તાને આ આરોપોને નકારી કાઢ્યા હતાં.

તણાવ વચ્ચે બંને દેશોએ તેમના ઉચ્ચાયુક્તોને ચર્ચા માટે પાછા બોલાવી લીધા છે. યુનાઈટેડ નેશન્સમાં પાકિસ્તાનના કાયમી મંડળે મહાસચિવ સાથે બેઠક યોજવા અનુરોધ કર્યો છે. ઉપરાંત પાકિસ્તાનના વિદેશ પ્રધાન શાહ મહંમદ કુરૈશીએ કહ્યું છે કે યુનાઈટેડ રાષ્ટ્રએ બંને દેશો વચ્ચે તણાવ ઘટાડવા માટે પગલાં લેવા જોઈએ.

સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવના પ્રવક્તા સ્ટીફન દુઝારિકને આ અંગે પુછવામાં આવતા તેમણે કહ્યું કે, પુલવામામાં 14 ફેબ્રુઆરીના થયેલા આતંકી હુમલા બાદ બંન્ને દેશો વચ્ચે તણાવ વધવાને લઈને અમે ઘણા ચિંતિત છીએ.