વોશિંગ્ટનઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અફઘાનિસ્તાનમાં પુસ્તકાલય માટે ધન આપવાને લઈને કરવામાં આવેલા ભારતના નિર્ણયની ટીકા કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું કે યુદ્ધગ્રસ્ત દેશમાં આની કોઈ જરુર જ નથી. ટ્રમ્પે દેશની સુરક્ષા માટે યોગ્ય પગલા ન ભરવાને લઈને ભારત અને અન્ય દેશોની આલોચના કરી. અમેરિકી રાષ્ટ્રપતીએ નવા વર્ષની પોતાની પ્રથમ કેબિનેટ બેઠકમાં વિદેશોમાં અમેરિકી રોકાણ ઓછું કરવા પર જોર આપવાના પોતાના વલણને યોગ્ય ગણાવ્યું અને ભારત, રશિયા અને પાકિસ્તાન તેમજ અન્ય પાડોશી દેશોને અફઘાનિસ્તાનની સુરક્ષાની જવાબદારી લેવા જણાવ્યું. ટ્રમ્પે વડાપ્રધાન મોદીનું ઉદાહરણ આપીને જણાવ્યું કે વિશ્વના નેતા પોતાના યોગદાનના વખાણ કરી રહ્યા છે જ્યારે તેમનું યોગદાન અમેરિકા દ્વારા ખર્ચ કરવામાં આવેલા અબજો ડોલરના મુકાબલે ઓછું છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વડાપ્રધાન મોદી સાથે પોતાના મિત્રતાપૂર્ણ સંબંધોનો ઉલ્લેખ કર્યો પરંતુ તેમણે અફઘાનિસ્તાનમાં પુસ્તકાલય માટે ભારત જે ધન આપવાનું છે તેની ટીકા કરી છે. જો કે એ વાતની સ્પષ્ટતા થઈ શકી નથી કે ટ્રમ્પ કઈ પુસ્તકાલય યોજનાનો ઉલ્લેખ કરી રહ્યા હતા.
ડોનાલ્ડ ટ્રમ્પે પોતાની કેબિનેટ બેઠકમાં જણાવ્યું કે હું મારા ભારત અને વડાપ્રધાન મોદી સાથે સારા તાલમેલનું ઉદાહરણ આપી શકું છું પરંતુ તે સતત મને જણાવે છે કે તેમણે અફઘાનિસ્તાનમાં પુસ્તકાલય બનાવડાવ્યું. જ્યારે આટલી રકમ તો અમે અફઘાનિસ્તાનમાં પાંચ કલાકમાં ખર્ચ કરીએ છીએ. તેમણે જણાવ્યું કે મને એ વાતની ખબર નથી અફઘાનિસ્તાનમાં કોણ આનો ઉપયોગ કરી રહ્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું કે મારા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે સારા સંબંધો છે.
ટ્રમ્પે ભારતના વડાપ્રધાન મોદીના વખાણ કર્યા અને કહ્યું કે તેઓ સારા માણસ છે અને તેમણે શાનદાર કામ કર્યું છે. તેઓ દેશનો સાથે લઈને આવ્યા છે. ટ્રમ્પે અફઘાનિસ્તાનમાં શાંતિ પ્રયાસોમાં અમેરિકા અને અન્ય દેશો દ્વારા ઉઠાવવામાં આવનારા ખર્ચની તુલના કરી. ટ્રમ્પે જણાવ્યું કે ઘણા દેશો પોતાના બળોની સહાયતા માટે અમેરિકાનો ઉપયોગ કરી રહ્યા છે.
ત્યારે ભારતે ટ્રમ્પને આ મામલે વળતો જવાબ આપતા જણાવ્યું કે ભારત અફઘાનિસ્તાનને આગળ લઈ જવામાં વિકાસ સંબંધિત એક મોટી ભૂમિકા નિભાવી શકે છે. અફઘાનિસ્તાનમાં લોકોની જરુરિયાતના હિસાબથી ભારત ઘણી મોટી પરિયોજનાઓ અને સામુદાયિક વિકાસ કાર્યક્રમ ચલાવી રહ્યું છે. ભારતે જણાવ્યું કે આ પ્રકારના સહયોગથી આર્થિક રીતે સશક્ત અને સ્થિર બનવામાં અફઘાનિસ્તાનને મદદ પ્રાપ્ત થશે.