પાકિસ્તાનમાં હિન્દુ ડોક્ટરની ગોળી મારીને હત્યા

નવી દિલ્હીઃ પાકિસ્તાનમાં ફરી એક વાર હિન્દુ ડોક્ટરને નિશાન બનાવવામાં આવ્યા હતા. કરાચી નગર નિગમના નિવૃત્ત ડિરેક્ટર અને આંખ રોગના નિષ્ણાત ડો. બિરબલ જેનાનીની લ્યારી એક્સપ્રેસની પાસે ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. આ હુમલામાં તેમના આસિસ્ટન્ટ કુરાત-ઉલ-એન પણ ગંભીર રૂપે ઘાયલ થયા હતા. બંને એક જ કારમાં યાત્રા કરી રહ્યા હતા. સ્થાનિક મિડિયાએ જણાવ્યું હતું કે કરાચી નગર નિગમના ભૂતપૂર્વ ડિરેક્ટર અને આંખ રોગના નિષ્ણાતની હત્યા કરવામાં આવી હતી. પાકિસ્તાનમાં એક મહિનામાં બીજી વાર કોઈ હિન્દુ ડોક્ટરને નિશાન બનાવવામાં આવ્યા છે. આ ઘટનાના CCTV ફુટેજ પણ સામે આવ્યા છે.

આ CCTV ફુટેજને આધારે ટાર્ગેટ કિલિંગનો અંદેશો જણાવવામાં આવી રહ્યો છે. આ મહિનામાં પાકિસ્તાનમાં હિન્દુ ડોક્ટર પર હુમલાનો આ બીજો મામલો છે. આ મહિનાના પ્રારંભે પાકિસ્તાનના હૈદરાબાદમાં એક ડોક્ટર ધર્મદેવ રાઠીની તેમના ડ્રાઇવરે ઘરની અંદર જ હત્યા કરી દીધી હતી. પોલીસે પાકિસ્તાન ન્યૂઝ આઉટલેટ ધ નેશનને જણાવ્યું હતું કે ડ્રાઇવરે ચાકુથી ડોક્ટરનું ગળું કાપી કાઢ્યું હતું.

પોલીસે ડ્રાઇવરને ખેરપુર સ્થિત તેના ઘરથી ધરપકડ કરી હતી અને તેની ઓળખ હનીફ લેધારીના રૂપે કરવામાં આવી છે. ડોક્ટરના રસોયાએ પોલીસને જણાવ્યું હતું કે ઘર જતાં સમયે બંને વચ્ચે ચણભણ થઈ હતી. ત્યાર બાદ જ્યારે બંને ઘરે પહોંચ્યા તો ડ્રાઇવરે રસોઈના ચાકુથી ઘરમાં ડોક્ટરની હત્યા કરી દીધી હતી.