લંડનઃ ઇંગ્લેન્ડમાં પાકિસ્તાની મૂળના 6 આરોપીને સંયુક્ત રીતે 101 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. દોષિતોએ 10થી 23 વર્ષની પાંચ કિશોરીઓનું શારીરિક શોષણ કર્યું હતું. નેશનલ ક્રાઇમ એજન્સીએ આ ષડયંત્રનો પર્દાફાશ કરીને રોધરહામ ગ્રુમિંગ ગેંગના તમામ આરોપીઓને ઝડપી લઈ જેલમાં ધકેલ્યાં હતાં.
કોર્ટે સુનાવણીમાં જણાવ્યું હતું કે આરોપીઓએ વર્ષ 1998થી 2005 દરમિયાન અનેક સ્કૂલગર્લ્સને હવસનો શિકાર બનાવી હતી. જાતીય શોષણ અને બળાત્કાર કરતાં પહેલાં આરોપીઓ ડ્રગ્સ અને દારુનું સેવન કરતાં હતાં.બળાત્કારનો ભોગ બનેલી એક કિશોરીને 14 વર્ષની ઉંમરમાં ગર્ભપાત કરાવવો પડ્યો હતો. ગેંગના આરોપીઓ તેને જંગલમાં ઢસડી જઈ બળાત્કાર કર્યો હતો. અન્ય એક કિશોરીએ આપવીતી વર્ણવતા કહ્યું હતું કે, તે 16 વર્ષની થઈ ત્યાં સુધી 100 જેટલા એશિયન પુરુષોએ તેનું શારીરિક શોષણ કર્યું હતું. પીડિત કિશોરીઓએ પોતાના નિવેદનોમાં કહ્યું હતું કે બ્રિટિશ-પાકિસ્તાન મૂળના પાંચેય આરોપીઓએ આ કિશોરીઓને માનસિક અને શારીરિક રીતે અત્યંત પીડાદાયક સ્થિતિમાં મૂકી હતી.જેનાથી તેમની વયસહજ જિંદગી દુઃખદ બની ગઈ છે. તેમની પાસેથી તેમનું બાળપણ છીનવી લેવામાં આવ્યું હતું. રમવાની ઉંમરે તેમને અપાર શારીરિક યાતનાઓ આપવામાં આવી હતી.