ઝૂરિક (સ્વિટ્ઝરલેન્ડ) – અહેવાલો અનુસાર, સ્વિસ બેન્કોમાં ભારતીયોના નામે ડઝન જેટલા ડોર્મન્ટ (નિષ્ક્રિય) એકાઉન્ટ્સ છે, પણ એના કોઈ દાવેદાર આગળ આવતા નથી. તેથી એમાં પડેલા કરોડો રૂપિયા સ્વિટ્ઝરલેન્ડ સરકારને ટ્રાન્સફર કરી દેવામાં આવશે.
સ્વિસ સરકારે ડોર્મન્ટ એકાઉન્ટ્સની વિગતો મગાવવાનું 2015ની સાલથી શરૂ કર્યું હતું જેથી એમના દાવેદારો જરૂરી પુરાવા આપીને એકાઉન્ટ્સમાં રહેલા નાણાં ઉપાડી શકે. ભારતીયોના નામે ઓછામાં ઓછા 10 એકાઉન્ટ્સ છે.
આમાંના અમુક ખાતા ભારતીય નિવાસીઓ તથા બ્રિટિશ રાજ વખતના નાગરિકો સાથે સંકળાયેલા છે.
સ્વિસ સત્તાવાળાઓનું કહેવું છે કે આમાંના એક પણ ખાતા પર છેલ્લા છ વર્ષમાં કોઈ પણ ભારતીય દાવેદારે સફળતાપૂર્વક દાવો કર્યો નથી. અમુક ખાતાઓ માટે દાવો કરવાની ડેડલાઈન આવતા મહિને સમાપ્ત થવાની છે. અન્ય અમુક ખાતાઓ માટે 2020ના અંત સુધી દાવો કરી શકાશે.
2600 ખાતાઓમાં પડ્યા છે 300 કરોડ રૂપિયા
રસપ્રદ વાત એ છે કે અમુક નિષ્ક્રિય ખાતાઓ પાકિસ્તાની નિવાસીઓ સાથે સંબંધિત છે અને તેની પર દાવો કરવામાં આવ્યો છે. અમુક ખાતા સ્વિટ્ઝરલેન્ડ સહિત અમુક અન્ય દેશોનાં નિવાસીઓનાં પણ છે અને તેની ઉપર પણ દાવો કરી દેવામાં આવ્યો છે.
2015ના ડિસેંબરમાં પહેલી જ વાર આ ખાતાઓને જાહેર કરવામાં આવ્યા હતા. એ યાદીમાં લગભગ 2,600 ખાતાઓ હતા, જેમાં 4.5 કરોડ સ્વિસ ફ્રાન્ક અથવા આશરે 300 કરોડ રૂપિયાનું ભંડોળ પડ્યું છે.
છેક 1955ની સાલથી આ નાણાં પર કોઈ દાવો કરવામાં આવ્યો નથી.
યાદીને પહેલી વાર જાહેર કરવામાં આવી હતી ત્યારે એમાં 80 સુરક્ષા જમા બોક્સ પણ હતા. સ્વિસ બેન્કિંગ કાયદા અનુસાર, આ યાદીમાં દર વર્ષે નવા ખાતાઓનો ઉમેરો થાય છે. તેથી હાલ આવા ખાતાઓની સંખ્યા વધીને 3,500 થઈ ગઈ છે.
કહેવાય છે કે અનેક ભારતીયોએ સ્વિસ બેન્કોમાં પોતાના બિનહિસાબી, ગેરકાયદેસર નાણાં જમા કર્યા છે. તાજેતરના વર્ષોમાં દુનિયાના દેશોનાં દબાણને કારણે સ્વિટ્ઝરલેન્ડે પોતાની બેન્કિંગ સિસ્ટમને વહીવટીય તપાસ માટે ખુલ્લી મૂકી દીધી છે.