વોશિંગ્ટન– અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ મેક્સિકો બોર્ડર પર દીવાલ બનાવવાની વાતને લઈને અડગ છે. હદ તો ત્યારે થઈ જ્યારે દીવાલના કામકાજ માટે ફંડિગ ન મળવાને કારણે ટ્રમ્પે નેશનલ ઈમરજન્સીની ધમકી આપી દીધી હતી. જણાવી દઈએ કે, ફંડિંગ પર યુએસ સંસદમાં અસહમતિને કારણે યુએસ શટડાઉનના આ ત્રીજું સપ્તાહ છે. એટલે કે છેલ્લા ત્રણ સપ્તાહથી લાખો સરકારી કર્મચારીઓ વગર પગારે ઘરે બેસવા મજબૂર થયાં છે. તો બીજી તરફ જરૂરી સેવાઓ સાથે જોડાયેલા કર્મચારીઓ વગર પગારે કામ કરવા મજબૂર બન્યાં છે.
ડેમોક્રેટ્સની સીનેટ એપ્રોપિએશન કમિટીના જણાવ્યા અનુસાર લગભગ 4.25 લાખ કર્મચારીઓ વગર પગાર પર કામ કરી રહ્યાં છે. આ પહેલા પણ અમેરિકામાં શટડાઉન થઈ ચૂક્યું છે.
શું છે શટડાઉન
અમેરિકામાં એન્ટી-ડેફિશિએન્સી નામનો કાયદો છે, જે હેઠળ નાણાંની અછત ઉભી થવા પર સરકારી કર્મચારીઓનું કામકાજ અટકાવવું પડે છે. સંસદમાં ફંડિગને લઈને કોઈ પણ મામલે મંજૂરી ન મળવા પર આ સ્થિતિ ઉભી થાય છે. જેના હેઠળ સરકારી કર્મચારીઓને જરૂરી અને ઓછા જરૂરી, આમ બે ગ્રુપમાં વહેંચી દેવામાં આવે છે. પ્રથમ શ્રેણીમાં કર્મચારી કામ પર આવે છે, પરંતુ તેને પગાર નથી મળતો. જ્યારે બીજી શ્રેણીમાં કર્મચારીઓને ઘરે બેસાડી દેવામાં આવે છે. અને જ્યાં સુધી શટડાઉન પૂર્ણ ન થાય ત્યાં સુધી કર્મચારીઓને પગાર નથી મળતો. શટડાઉનમાં કોઈ સમયસીમા નક્કી નથી હોતી. શટડાઉન દરમિયાન ઘણા સરકારી કર્મચારીઓ પર તાળુ લટકી જાય છે. જોકે કર્મચારીઓને નોકરીમાંથી નથી કાઢવામાં આવતા પરંતુ તેમને સેલેરી પણ નથી આપવામાં આવતી.
ફેડરલ શટ ડાઉન એટલે કે સરકારી કામકાજ ઠપ થઈ ગયાની આ સ્થિતિ લાંબો સમય સુધી ચાલું રહેવા દેવાની ધમકી અંગે કરવામાં આવેલા સવાલ ટ્રમ્પે કહ્યું, “હું જે કરી રહ્યો છું એના પર મને ગર્વ છે. હું આને કામકાજ ઠપ એવું નથી માનતો. હું માનું છું કે આ એવું કામ છે જે દેશની સુરક્ષા અને ફાયદા માટે જરુરી છે.”
ટ્રમ્પને એવું પણ પૂછવામાં આવ્યું કે શું તેઓએ ભંડોળની અનુમતિ માટે કૉંગ્રેસને બાયપાસ કરીને રાષ્ટ્રપતિ તરીકેના કટોકટીના અધિકારોનો ઉપયોગ કરવા અંગે વિચાર કર્યો છે? આ સવાલનો જવાબ એમણે “હા”માં આપ્યો હતો. “હું એવું કરી શકું છું. અમે રાષ્ટ્રીય કટોકટી જાહેર કરી શકીએ છીએ. આ કામ કરવાનો એક બીજો રસ્તો છે.”
ઉલ્લેખનીય છે કે, સરકારી કામકાજ ઠપ થવાને પગલે વ્હાઇટ હાઉસ અને ટોચના ડેમોક્રેટ નેતાઓ વચ્ચે આ અઠવાડિયાની શરુઆતમાં બેઠક થઈ હતી. હવે સેનેટમાં ડેમોક્રેટ્સ બહુમતીમાં છે અને એમણે ગુરુવારે સરકારનું કામકાજ શરુ કરવા માટેના ખર્ચા સંબંધિત ખરડાઓ પસાર કરી દીધા છે. આ ખરડાઓમાં 8 ફેબ્રુઆરી સુધી કામકાજ ચલાવવા માટે 1.3 અરબ ડોલરનું સરહદી સુરક્ષા ભંડોળ પણ સામેલ છે. જોકે, જ્યાં સુધી આ ખરડાઓ રિપબ્લિકન બહુમતીવાળી સેનેટમાં પસાર ન થાય ત્યાં સુધી તે લાગુ ન થઈ શકે.