શું ટ્વિટરે જ ટ્રમ્પનું વિવાદીત ટ્વીટ ડિલીટ કર્યું?

સેન ફ્રાન્સિસ્કો: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ટ્વિટર એકાઉન્ટ પરથી વિવાદિત ટ્વીટ ગાયબ થવાનો મામલો જોર પકડી રહ્યો છે. પહેલા તો ટ્રમ્પના 6.8 કરોડ ફોલોઅર્સને લાગ્યું કે, કથિત વ્હિસલબ્લોઅરના નામ વાળુ ટ્વીટ ક્યાંક ટ્રમ્પે જાતે તો ડિલીટ નથી કર્યું ને. પણ ટેકનિકલ ખામીને કારણે ટ્વીટ નથી દેખાઈ રહ્યું એવુ ટ્વિટરના નિવેદન પછી ટ્રમ્પના ફોલોઅર્સે સોશિયલ મીડિયા પર કંપનીની જોરદાર ટીકા કરી.

માનવામાં આવે છે કે, આ કથિત વ્હિસલબ્લોઅરની ફરિયાદ પર ટ્રમ્પ વિરુદ્ધ મહાભિયોગ પ્રક્રિયાની શરુઆત થઈ છે. ટ્વિટરે રવિવારે એક નિવેદનમાં કહ્યું કે, અમારી એક સિસ્ટમમાં ટેકનિકલ ખામીને કારણે રાષ્ટ્રપતિ ટ્રમ્પનું ટ્વીટ માત્ર અમુક લોકોને જ દેખાઈ રહ્યું હતું. અમે આ ખામીને વ્યવસ્થિત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ અને આના લીધે પડેલી મુશ્કેલી બદલ માફી માગીએ છીએ.

 

જોકે, કંપનીના આ નિવેદનથી યુઝર્સનો ગુસ્સો શાંત નથી થયો અને તેમણે જોરદાર ભડાસ કાઢી છે. એક ટ્વિટર યૂઝરે ટ્વિટર સેફ્ટીના હેન્ડલ પર લખ્યું કે, મને આ બધુ ખૂબ જ અજીબ લાગે છે. તમારા માટે આ કોઈ મોટી વાત નહીં પણ અન્ય લોકો માટે છે. હકીકતમાં એ ખૂબ જ અજીબ વાત છે કે, મોટાભાગે ટ્રમ્પના જ ટ્વીટ ગાયબ થઈ જાય છે. અન્ય એક ટ્વિટર યુઝરે લખ્યું કે, હંમેશા રિપબ્લિકન અને ટ્રમ્પ સમર્થકોના એકાઉન્ટ સાથે જ આવું કેમ થાય છે.

એ થોડું આશ્ચર્યજનક લાગે કે, કોઈ ટેક્નિકલ ખામીને પગલે સમગ્ર સ્પેક્ટ્રમ પ્રભાવિત થઈ ગયું. હકીકતમાં યુટ્યૂબ અને ફેસબુક સહિત અનેક ટેક કંપનીઓએ પોતાના પ્લેટફોર્મ પર કથિત વ્હિસલબ્લોઅરનું નામ નથી આપ્યું. ટ્વિટરે પણ તેમનું નામ તો ન જ આપ્યું પણ એટલું ચોક્કસ કહ્યું કે, કોઈ વ્યક્તિ વિશેષનું નામ આપવાથી કંપનીની નીતિઓનું ઉલ્લંઘન નહીં થાય.