ઓસ્ટ્રેલિયાઃ જંગલની આગ હવે ટુરીસ્ટ સિટી સુધી પહોંચી: 4000 લોકો ફસાયા

સિડનીઃ ઓસ્ટ્રેલિયાના જંગલોમાં લાગેલી આગ સમુદ્ર કિનારે વસેલા લોકપ્રિય પર્યટક શહેર મલ્લકૂટા સુધી પહોંચી ગઈ છે. વેકેશન મનાવવા માટે શહેરમાં આવેલા હજારો લોકો અને સ્થાનિક રહેવાસીઓ આગના કારણે ફસાઈ ગયા છે. સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું કે મલ્લકૂટા શહેરમાં ચાર હજાર લોકો ફસાયા છે. જો કે કેટલાક દિવસથી અધિકારીઓ ઓસ્ટ્રેલિયામાં રજાઓ માણી રહેલા 30,000 જેટલા પર્યટકોને વિસ્તાર ખાલી કરાવવાની ચેતવણી આપી રહ્યા છે.

આ શહેર એવી કેટલીક જગ્યાઓ પૈકીનું એક છે કે જે જંગલોમાં લાગેલી આગની ઝપેટમાં આવી ગયું છે. વિક્ટોરિયા ઈમરજન્સી મેનેજમેન્ટ કમિશનર ક્રિસ્પે કહ્યું કે, અમારી પાસે મલ્લકૂટામાં ત્રણ ટીમો છે કે જે ત્યાં સમુદ્ર કિનારા પર 4000 હજાર લોકોની સુરક્ષા કરશે. અમે એ લોકોને લઈને ખૂબ ચિંતિત છીએ કે જે લોકો વિખુટા પડી ગયા છે. જો જરુર પડશે તો લોકોને સમુદ્ર અથવા હવાઈ માર્ગે બહાર કઢાશે.

સોશિયલ મીડિયા પર સ્થાનિક નિવાસીઓએ કહ્યું કે અમે જીવન રક્ષક જેકેટ પહેરી રાખ્યા છે જેથી આગથી બચવા માટે સમુદ્રમાં ઉતરવાની જરુર પડી તો અમે સમુદ્રમાં ઉતરી શકીએ. ન્યૂ સાઉથ વેલ્સ ગ્રામીણ ફાયર સર્વિસે જણાવ્યું કે, આગ સવારથી જ ખૂબ તેજીથી ફેલાઈ રહી છે. આ આગ લોકોના જીવન પર એક ગંભીર સંકટ ઉભું કરી શકે છે. લોકોને સૂચના આપવામાં આવી છે કે, જંગલ વાળા વિસ્તારમાં જતા બચો, જો રસ્તો યોગ્ય હોય તો મોટા શહેરો અથવા તો સમુદ્રના તટો સુધી આવી જાવ. ઓસ્ટ્રેલિયામાં છેલ્લા કેટલાય મહિનાઓથી જંગલોમાં આગ લાગી છે પરંતુ લૂ અને તેજ હવાઓના કારણે આગે વધુ વિકરાળ સ્વરુપ ધારણ કર્યું છે.