નવી દિલ્હીઃ ચીન અને અમેરિકા જેવા વિશાળ દેશ હોય કે પછી સિંગાપુર જેવું સિટી નેશન, કોરોના વાયરસે તમામને લોકડાઉન માટે મજબૂર કર્યા છે. લોકડાઉન શબ્દ તણાવની સાથે નીરસતાનો ભાવ પેદા કરે છે. અત્યારે દુનિયાના બે તૃતિયાંશ લોકો આનાથી પ્રભાવિત છે. પ્રાપ્ત વિગતો અનુસાર આફ્રીકા અને દક્ષિણ અમેરિકાના કેટલાક દેશોને બાદ કરતા મોટાભાગના એશિયાઈ, યૂરોપીય દેશ લોકડાઉન છે. આનાથી અરબો ડોલરનું નુકસાન પણ થઈ રહ્યું છે. પરંતુ લોકડાઉનથી બધુ જ ખરાબ થઈ રહ્યું છે એવું પણ નથી. લોકડાઉનમાં કેટલીક સારી બાબતો પણ થઈ છે. હવે તો કોંક્રીટના આ જંગલમાં પણ ચકલીઓનો ચીં-ચીં અવાજ સંભળાઈ રહ્યો છે.
પ્રદૂષણ ઘટ્યું
સૌથી પહેલી ચીને વુહાનને લોકડાઉન કર્યું અને પછી આસપાસના પ્રદેશોને પણ લોકડાઉન કર્યા. ચીનનું પ્રદૂષણ વિશ્વવ્યાપી સમસ્યા બની ગયું હતું. પ્રદૂષણ જનજીવનને પ્રભાવિત કરી રહ્યું હતું. લોકડાઉનના કારણે ફેક્ટરીઓ બંધ થઈ ગઈ અને વ્હિકલ્સ પણ. પરિણામો સારા આવ્યા. પ્રદૂષણ ખતમ થઈ ગયું, ખાસ કરીને નાઈટ્રોજન ઓક્સાઈડની માત્રા ઘટી ગઈ. નાસાએ ટ્વીટ કરીને જણાવ્યુ કે, ચીનના પ્રદૂષણમાં 50 ટકાથી વધારેનો ઘટાડો થયો છે. ભારતમાં પણ જનતા કર્ફ્યુ અને સોમવારના લોકડાઉનમાં આનો અનુભવ થયો. દિલ્હીથી લઈને કોલકત્તા સુધી પીએ 2.5 ના સ્તર પર ઘટાડો નોંધાયો.
સાફ થઈ ગઈ વેનિસની નહેરો
પર્યટકોના પ્રિય શહેર વેનિસ ધીરે-ધીરે મરી રહ્યું હતું. ક્રૂઝ, સ્ટીમર, અને અન્ય જળ સાધનો અને પર્યટકોના ભારે ધસારાથી નહેરો સિલ્ટથી ભરાઈ ગઈ હતી. કેટલીય ઐતિહાસિક ઈમારતોના પાયામાં પાણી ભરાઈ રહ્યું હતું, પરંતુ 15*16 દિવસના લોકડાઉનથી શહેરની સ્થિતિ બદલાઈ ગઈ. નહેરો ફરીથી પોતાના અદભૂત રંગમાં દેખાઈ અને ત્યાં સુધી કે માછલીઓ પણ આ નહેરમાં વર્ષો બાદ દેખાઈ.
ઉદારતા અને માનવતાની ભાવના
લોકડાઉન વચ્ચે તમામ લોકો મદદ માટે આગળ આવ્યા. ન્યૂયોર્કમાં 1300 લોકોએ 72 કલાક સુધી જરુરિયાતમદ લોકો સુધી દવાઓ અને કરિયાણુ પહોંચાડ્યું. આ જ પ્રકારના સમાચારો બ્રિટન, ફ્રાંસ અને ઈટાલીથી પણ સામે આવ્યા. અહીંયા પણ લોકો બીજાની મદદ માટે આગળ આવ્યા. ઓસ્ટ્રેલિયાના મોલમાં વડીલો માટે અલગ કાઉન્ટર બનાવવામાં આવ્યા કે જેથી તેઓ ભીડમાં ન ફસાય. ઈટલી જેવા યૂરોપીય દેશોમાં દાન કરનારા લોકોની સંખ્યા વધી ગઈ.