મુંબઈ- ચીની હેકર્સોની એક ટોળકીએ ઈટાલિયન કંપની ટેક્નિમોન્ટ સ્પાના ભારતીય એકમ સાથે 18.6 કરોડ ડોલર (130 કરોડ)ની છેતરપીંડી કરી છે. ચીની હેકર્સોએ આ છેતરપીંડી ફિશિંગ ઈ મેલનો ઉપયોગ કર્યો હોવાની ચર્ચા ચાલી રહી છે. ફિશિંગ ઈ મેલ એક શંકાસ્પદ ઈ મેલ હોય છે, જેના દ્વારા કોઈ પણ વ્યક્તિ કે સંસ્થા અંગે સંવેદનશીલ જાણકારી જેમ કે, યુઝર નેમ, પાસવર્ડ અને ક્રેડિટ કાર્ડ વગેરીની માહીતી પ્રાપ્ત કરી લેવામાં આવે છે. આ મામલે પોલીસે કેસ ફાઈલ કર્યો છે. ભારતના સાયબર ઈતિહાસમાં આ સૌથી મોટી ચોરી માનવામાં આવે છે.
ટેક્નિમોન્ટ પ્રાઈવેટ લિમિટેડ (TCMPL) નામની આ કંપની મુંબઈના મલાડ વિસ્તારમાં રજિસ્ટર્ડ ઓફિસ ધરાવે છે. મળતી માહિતી અનુસાર કંપનીના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર મારિયો રુઝાને કથિત રીતે કેટલાક ચાઈનિઝ નાગરીકોએ એક એવા ઈ મેલ આડીથી સંપર્ક કર્યો હતો જે તેમની કંપનીના ગ્રુપ સીઈઓના મેઈલ આઈડી સાથે ઘણું મળતું આવતું હતું. કહેવામાં આવી રહ્યું છે કે, ગ્રુપ સીઈઓના નામ પરથી ચીની નાગરિકોએ એક ગોપનીય વિલીનીકરણ અને હસ્તાંતરણના સોદા માટે મોટી રકમની માંગ કરી હતી.
હેકર્સે કંપનીના ભારતીય વડાને તે વાત સાથે સહમત કર્યા હતાં કે, નિયમનકારી અવરોધોના કારણે આ નાણાં ઈટાલીમાં ટ્રાન્સફર કરવામાં નહી આવે. તેમણે તેના બદલામાં નાણાં નવેમ્બરમાં એક જ સપ્તાહમાં ત્રણ તબક્કામાં ટ્રાન્સફર કર્યાં હતાં. નાણાંને ભારતમાંથી 56 લાખ ડોલર, 94 લાખ ડોલર અને 36 લાખ ડોલરના સ્વરૂપમાં હોંગકોંગ સ્થિત બેંકોમાં ટ્રાન્સફર કરાયા હતાં. અને ત્યાંથી ગણતરીની મિનિટોમાં ઉપાડી લેવાયા હતાં. હેકર્સોએ ત્યાર બાદ ચોથી વખત ટ્રાન્સફર કરવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ ત્યાં સુધી છેતરપીંડી પકડાઈ ગઈ હતી.
જોકે, ટેક્નિમોન્ટે એક ઈ મેઈલ દ્વારા જણાવ્યું હતું કે, આ કોઈ સાયબર એટેક નથી, પરંતુ રીતસરની છેતરપીંડી છે, જેમાં અમે આમારા નાણાં પરત મેળવવા પ્રયત્ન કરી રહ્યાં છીએ.