નવી દિલ્હીઃ ખોટા લગ્ન કરીને પાકિસ્તાની મહિલાઓને ચીનમાં તસ્કરી કરીને લાવ્યાના સમાચારો વચ્ચે ચીની દુતાવાસે 90 જેટલી પાકિસ્તાની દુલ્હનોના વીઝા પર રોક લગાવી દીધી છએ. પાકિસ્તાનમાં ચીનના ડેપ્યુટી ચીફ ઓફ મિશન લિજિયાન જાઓએ મંગળવારના રોજ જણાવ્યું કે આ વર્ષે ચીનના નાગરિકોની 140 જેટલી અરજી મળી જે પોતાની પાકિસ્તાની દુલ્હનો માટે વીઝા ઈચ્છતા હતા.
પ્રાપ્ત વિગતો અનુસાર વીઝાની 50 અરજી મંજૂર કરવામાં આવી જ્યારે કેટલીક અરજીઓનો અસ્વિકાર કરવામાં આવ્યો. દૂતાવાસને 2018માં આ પ્રકારની 142 અરજીઓ મળી હતી. પાકિસ્તાન સરકારે તાજેતરમાં જ સંઘીય તપાસ એજન્સીને આદેશ આપ્યો છે કે તે લગ્નની લાલચ આપીને પાકિસ્તાની યુવતીઓને ચીનમાં તસ્કરી કરીને લાવતા લોકો વિરુદ્ધ કાર્યવાહી કરે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, લગ્ન કરાવનારા લોકો મહિલાઓને લગ્નની લાલચ અને પૈસા તેમજ સારા જીવનની લાલચ આપે છે. આ લોકો ચીની પુરુષોના ખોટા દસ્તાવેજોમાં તેમને ઈસાઈ અથવા મુસ્લિમ બતાવે છે. મોટાભાગની મહિલાઓ કથિત રુપે માનવ તસ્કરીનો શિકાર બની ગઈ છે અથવા તો દેહ વ્યાપારમાં ધકેલી દેવામાં આવી છે. ચીનના રાજદૂતે જણાવ્યું કે બંન્ને દેશોના નાગરિકો વચ્ચે થનારા લગ્નોની સંખ્યામાં અચાનક થયેલી વૃદ્ધિને જોઈને અધિકારીઓ સતર્ક થઈ ગયા અને અમે પાકિસ્તાની સમકક્ષો સાથે સંપર્ક કર્યો અને આ મામલે તપાસ શરુ કરવામાં આવી.
ચીનના રાજદૂતે એપણ સ્પષ્ટતા કરી કે મીડિયા રિપોર્ટ્સમાં તથ્યોને તોડી મરોડીને રજૂ કરવામાં આવ્યા છે કારણ કે એ વાતના કોઈ પુરાવા નથી કે મહિલાઓને દેહ વ્યાપારમાં ધકેલવામાં આવી છે. રાજદૂતે તમામ વિવાહો ખોટા હોવાની વાતનો પણ ઈનકાર કર્યો.