બિજીંગ- ભારતમાં કેટલાક વર્ષોથી ડિજિટલ ઈન્ડિયા અને કેશલેસ ટ્રાન્ઝેક્શન વધારવા પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. જોકે આ મામલે પણ ચીન ભારત કરતાં ઘણું આગળ છે. ચીન ભારત કરતાં કેટલું આગળ વધ્યું તેનો અંદાજ એ વાત પરથી આવી શકે કે, ત્યાંના ભીખારીઓ પણ હવે ક્યૂઆર કોડ અને ઈ-વોલેટનો ઉપયોગ કરી રહ્યાં છે.મળતી માહિતી મુજબ ચીનના ભિખારીઓ મોબાઈલ પેમેન્ટ અને ડિજિટલ સિસ્ટમનો વધારે ઉપયોગ કરી રહ્યાં છે. કારણકે આમ કરવાથી તેઓ વધારે આવક મેળવી શકે છે. ચીનના પ્રવાસન સ્થળો અને સ્ટેશનના સબવેની આસપાસ આવા ભિખારીઓ જોઈ શકાય છે જે ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ અથવા ક્યૂઆર કોડ સિસ્ટમનો ઉપયોગ કરે છે. ડિજિટલ ચૂકવણીનો એક ફાયદો એ છે કે, જે લોકો છુટ્ટા નહીં હોવાનું જણાવી વાતને ટાળી જતા હોય છે. તેમના પાસેથી પણ ભિખારીને ભિક્ષાવૃત્તિ મળી રહે છે.
ચીનમાં એવા ઘણા ભિખારીઓ જોવા મળે છે જેના કટોરામાં ક્યૂઆર કોડનું પ્રિન્ટઆઉટ હોય છે. ભિખારીઓ લોકોને એવું કહેતા જોવા મળે છે કે, તેઓ એપ્લીકેશન એલિબાબા ગ્રૂપની અલીપે અથવા ટૈન્સેન્ટના વીચેટ વોલેટના માધ્યમથી કોડ સ્કેન કરીને તેમને પૈસા ટ્રાન્સફર કરી શકે છે.
આ રીતે ડિજિટલ અને કેશલેસ સિસ્ટમ દ્વારા ચીનના ભિખારીઓ સપ્તાહમાં 45 કલાક ભીખ માગીને 4500 યુઆન (આશરે 47 હજાર રુપિયા)થી વધુ કમાણી કરે છે. જો કે, ચીનના કમાણીના માપદંડ અનુસાર આ કોઈ મોટી રકમ નથી અને ત્યાંના ન્યૂનતમ વેતન સમાન છે.