માનસરોવરમાં બે ભારતીય યાત્રાળુઓનાં મરણ; 1500 જણ અટવાયાં

કાઠમાંડૂ- કાઠમંડુ – તિબેટમાં કૈલાશ માનસરોવરમાંથી પાછાં ફરતી વખતે બે ભારતીય યાત્રાળુઓનાં મરણ નિપજ્યા છે અને બીજાં 1,500થી વધુ યાત્રાળુઓ ભારે વરસાદ અને ખરાબ હવામાનને કારણે નેપાળના હુમલા જિલ્લામાં સિમિકોટમાં અટવાઈ ગયા છે.

અત્રે, ભારતીય દૂતાવાસે જણાવ્યું કે તે સમગ્ર સિમિકોટ રૂટ પરની પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખી રહ્યું છે. અટવાઈ ગયેલા ભારતીયોને ઉગારવા માટે લશ્કરના હેલિકોપ્ટરો પૂરા પાડવાની વિદેશ પ્રધાન સુષમા સ્વરાજે નેપાળ સરકારને વિનંતી કરી છે.

સિમિકોટમાં 525 ભારતીય યાત્રાળુઓ અટવાઈ ગયા છે તો હિલસામાં 550 અને તિબેટમાં બીજા 500 જણ અટવાઈ ગયા છે.

નેપાળી પોલીસે કહ્યું કે નારાયણમ લીલા નામનાં એક કેરળવાસી પુરુષ યાત્રાળુનું સિમિકોટની હોટેલમાં મૃત્યુ થયું હતું. જ્યારે આંધ્ર પ્રદેશનાં મહિલા સત્યાલક્ષ્મીનું તિબેટમાં તકલાકોટમાં મૃત્યુ નિપજ્યું હતું. આ વર્ષે માનસરોવરની યાત્રા દરમિયાન આઠ ભારતીય યાત્રાળુઓ મૃત્યુ પામ્યા છે.

નેપાળગંજ અને સિમિકોટમાં હવામાન ખરાબ હોવાને કારણે માનસરોવરથી પરત આવતા યાત્રીઓ ફસાયા છે. યાત્રાળુઓને ત્યાંથી સુરક્ષિત સ્થાન પર લઈ જવા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ઉપરાંત તેમના ભોજન અને તબીબી સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે.ભારતીય વિદેશ મંત્રાલયે આ અંગે નિવેદન જારી કર્યું છે કે, ભારતીય દૂતાવાસે તેના પ્રતિનિધિઓને નેપાળગંજ અને સિમિકોટ મોકલ્યા છે. જેઓ ત્યાં ફસાયેલા તમામ યાત્રાળુઓ સાથે સંપર્કમાં છે. તેમને શક્ય તમામ મદદ આપવામાં આવી રહી છે. યાત્રીઓના રોકાણ, ખોરાક અને તબીબી સુવિધાઓનું પણ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. મંત્રાલયે જણાવ્યું કે, વિસ્તારમાં હવામાન ઘણું ખરાબ હોવાથી યાત્રીઓને ત્યાંથી ખસેડવા ઘણું મુશ્કેલીભર્યું થઈ રહ્યું છે.

સ્થાનિક એરલાઈન્સને વધારાના એરક્રાફ્ટ તૈયાર રાખવા જણાવવામાં આવ્યું છે. જેથી હવામાન સુધરતા તરત જ નેપાળગંજ અને સિમિકોટમાં ફસાયેલા યાત્રીઓને જલદી ખસેડી શકાય. ઉપરાંત આ યાત્રીઓના રાહત અને બચાવકાર્ય માટે અન્ય માર્ગનો પણ ઉપયોગ કરવામાં આવશે. સાથે જ બિમાર લોકોને હેલીકોપ્ટરની મદદથી બચાવવામાં આવશે.