કેલિફોર્નિયાની આગ સાત દિવસ બાદ પણ બેકાબૂ, 24ના મૃત્યુ

વિશ્વમાં કોઈ પણ દેશના પર આકરા પાણીએ આવનાર અમેરિકાના કેલિફોર્નિયામાં આજે વિકરાણ આગ લાગી છે. સાત દિવસથી લાગેલી આગમાં હજી સુધી કાબુમાં આવી નથી. ત્યારે આ આગમાં 24 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. ઈટન અને પેલિસેડ્સમાં 16 લોકો ગુમ થયાની હોવાના અહેવાલ પણ સૂત્રો પાસેથી મળી રહ્યા છે. રવિવારે લોસ એન્જલસમાં પવનની ગતિ થોડી ઘટી હતી. જેના કારણે ફાયર ફાઈટરોને આગ પર કાબૂ મેળવવામાં મદદ મળી હતી.

જો કે મોડી રાત સુધીમાં ભારે પવનની ચેતવણી આપવામાં આવી છે. જેના કારણે લોસ એન્જલસના બે જંગલોમાં લાગેલી આગને ઝડપથી ઓલવવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. કાઉન્ટીના તમામ લોકોને અગાઉથી જ ચેતવણી આપવામાં આવી છે કે તેઓને કોઈપણ સમયે તેમના ઘર ખાલી કરવા માટે કહેવામાં આવી શકે છે. નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રવિવારે ફરીથી લોસ એન્જલસમાં જંગલની આગને હજી સુધી આગ પર કાબુ ન મેળવવા મામલે જવાબદાર અધિકારીઓની નિંદા કરી. ટ્રમ્પે સોશિયલ મીડિયા પર લખ્યું કે “લોસ એન્જલસમાં હજુ પણ આગ ભભૂકી રહી છે. અસમર્થ નેતાઓને આગ કેવી રીતે ઓલવવી તે ખબર નથી.” અત્યાર સુધીમાં આ આગમાં પેરિસ હિલ્ટન, ટોમ હેન્ક્સ, સ્ટીવન સ્પીલબર્ગ જેવી હોલિવૂડ સેલિબ્રિટીઓનાં ઘર સળગી ગયાં હતાં. આ ઉપરાંત ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસનું ઘર ખાલી કરાવવામાં આવ્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પે આગ માટે વર્તમાન બાઈડન સરકારને જવાબદાર ગણાવી અને કહ્યું- આ મારા માટે છોડીને બાઈડન જઈ રહ્યા છે.

એક રીપોર્ટ અનુસાર, લોસ એન્જલસ (LA)માં લાગેલી આગને કારણે લગભગ રૂ. 11.60 લાખ કરોડથી રૂ. 13 લાખ કરોડ ($ 135-150 અબજ)નું નુકસાન થવાની સંભાવના છે. અહી આગ પર અમુક અંશે કાબુ મેળવી લેવામાં આવ્યો છે. લોકોને માસ્ક પહેરવાની અપીલ કરવામાં આવી છે. અમેરિકાને આગનો સામનો કરવામાં મદદ કરવા માટે મેક્સિકોથી ફાયર ફાઈટર્સ પહોંચ્યા છે. બીજી તરફ બ્રેટનવુડમાં વાઇસ પ્રેસિડેન્ટ કમલા હેરિસના ઘરે ચોરી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ કેસમાં બે લોકોની ધરપકડ કરવામાં આવી હતી, જોકે બાદમાં તેમને છોડી દેવામાં આવ્યા હતા. પોલીસે કહ્યું કે તેમની પાસે એવો કોઈ પુરાવો નથી કે આ બે લોકો ચોરી કરવાના ઈરાદાથી પહોંચ્યા હતા.