લંડન- કટ્ટરપંથી ઇસ્લામિક ઉપદેશક અંજેમ ચૌધરીને શુક્રવારે બ્રિટનની જેલમાંથી મુક્ત કરવામાં આવ્યો છે. આઇએસના સમર્થનમાં ઉપદેશ આપવાને કારણે તેને સાડા પાંચ વર્ષની સજા થઈ હતી. પરંતુ અડધી સજા ભોગવ્યા બાદ તેને જેલમાંથી છોડી દેવામાં આવ્યો છે. 51 વર્ષીય અંજેમ ચૌધરીને હાઇ સિક્યોરિટી ધરાવતી બ્રિટનની બેલમાર્શ જેલમાંથી છોડી મુકવામાં આવ્યો છે. પરંતુ તેની ગતિવિધીઓ પર સતત નજર રાખવાની સૂચના આપવામાં આવી છે.
ચૌધરીને ચોવીસ કલાક એક ઇલેક્ટ્રિક ટેગ પહેરી રાખવું પડશે, સાથે રાત્રી દરમિયાન ઘરમાંથી બહાર પણ નીકળી નહીં શકે, અને કોઈ પણ કટ્ટરપંથી આરોપીને મળતા પહેલાં મંજૂરી લેવી પડશે. સજા મળ્યા પહેલા જેલમાં રહેવાના કારણ તેની સજાને પૂર્ણ માનવામાં આવી છે. આ ઉપરાંત ચૌધરીને યુએન પ્રતિબંધોનો સામનો પણ કરવો પડશે.
ચૌધરી બ્રિટનમાં ઘણા સમયથી કટ્ટરપંથિ ઇસ્લામનો ચહેરો રહ્યો છે. તેની રેલીમાં જોડાનારા ઘણા લોકોને ધાર્મિક હિંસાના આરોપમાં દોષી ઠેરવવામાં આવ્યા છે. તેમાં બે નામ એવા પણ છે, જેને 2013 માં એક સિપાહીની હત્યાના આરોપી છે.