વોશિગ્ટન : હોંગકોંગ મુદ્દે બે તરફથી ઘેરાયેલા ચીન માટે હવે અમેરિકા મુસીબત બની રહ્યું છે. અમેરિકાની સંસદે પ્રદર્શનકારીઓના હક્કમાં બિલ પાસ કરીને ચીનને ચીડવવાનું કામ કર્યું છે. આ પ્રદર્શનકારી લોકતાંત્રિક આઝાદીને લઈને છેલ્લા 6 મહિનાથી આંદોલન કરી રહ્યા છે.
પ્રદર્શનકારીઓ પર કાબૂ મેળવવા માટે ચીન સતત કડક વલણ અપનાવી રહ્યું છે. આને કારણે ચીન અને હોંગકોંગની સરકાર પર હવે માનવાધિકાર ઉલ્લંઘનનો આરોપ લાગી રહ્યો છે. તો બીજી તરફ અમેરિકા સતત પ્રદર્શનકારીઓના સમર્થનમાં નિવેદન આપી રહ્યું છે.
આ જ કારણ છે કે ચીન અને અમેરિકાના સંબંધોમાં તિરાડ વધી રહી છે. ટ્રેડવોર પછી આ સંબંધો વધુ ખરાબ થવામાં આ આંદોલને મોટો ભાગ ભજવ્યો છે. આ બિલને કાયદા તરીકે લાગૂ કરવા માટે અમેરિકાન વિદેશ મંત્રાલય હોંગકોંગને મળીને વિશેષ દરજ્જો અને વ્યાપારમાં મળેલી છૂટની વાર્ષિક સમીક્ષા કરે તે જરૂરી છે.
અમેરિકી સેનેટમાં પાસ કરેલા બિલને હોંગકોંગ હ્યુમન રાઈટ્સ એન્ડ ડેમોક્રેસી એક્ટ નામ આપવામાં આવ્યું છે. કોંગ્રેસમાં પણ આ બિલને સંપૂર્ણ સમર્થન મળ્યું છે. આ બિલ પર રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના હસ્તાક્ષર પછી આ બિલ કાયદામાં ફેરવાઈ જશે.
જ્યાં સુધી ટ્રમ્પની વાત છે તો માનવાધિકાર સાથે જોડાયેલા મામલામાં તે ભાગ્યે જ પોતાના મંતવ્યો આપે છે. આ જ કારણ છે કે, ટ્રમ્પે હજુ સુધી આ બિલને લઈન કોઈ નિવેદન નથી આપ્યું. જોકે, પ્રદર્શનકારીઓએ અમેરિકાને આ બિલને તાત્કાલિક કાયદા તરીકે લાગૂ કરવાની અપીલ કરી છે.