નવી દિલ્હીઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અચાનક અફઘાનિસ્તાનની યાત્રા પર નિકળી ગયા. રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું કે આ તેમની કોઈ અધિકારીક યાત્રા નથી, પરંતુ આ યાત્રાનો ઉદ્દેશ્ય થેન્ક્સગીવિંગ રજાઓ મનાવવા માટે છે. એક અમેરિકી રાષ્ટ્રપતિનું અચાનક અફઘાનિસ્તાન જવું અને અમેરિકી સૈનિકો સાથે સમય વિતાવવો કંઈક અજીબ ચોક્કસ લાગે છે. ટ્રમ્પ અફઘાનિસ્તાનમાં આશરે સાડા ત્રણ કલાક રહ્યા. તેમણે મોટાભાગનો પોતાનો સમય અમેરિકી સૈનિકો સાથે વિતાવ્યો. તેમના ખબર-અંતર પૂછ્યા. તેમની સાથે ડિનર કર્યું. હકીકતમાં ટ્રમ્પે પોતાની અફઘાનિસ્તાન યાત્રાનું સાચુ કારણ ચતુરાઈથી છુપાવ્યું. ટ્રમ્પની અફઘાનિસ્તાન યાત્રા કારણ વગરની કે માત્ર રજાઓ વિતાવવા સુધીની સીમિત નથી. આવો અમે આપને જણાવીએ કે આની પાછળનું કારણ શું છે. કયા કારણે રાષ્ટ્રપતિ ટ્રમ્પ રજાઓ વિતાવવા માટે અફઘાનિસ્તાન પહોંચી ગયા છે.
હકીકતમાં વર્ષ 2020 માં અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી છે. ટ્રમ્પ હવે પોતાના તમામ પ્રયત્નો અને રણનીતિ આ ચૂંટણીને ધ્યાનમાં રાખીને કરી રહ્યા છે. ત્યારે આવામાં તુર્કી અને અફઘાનિસ્તાન અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પ માટે એક મોટો પડકાર છે. અફઘાનિસ્તાનમાં શાંતિ પ્રક્રિયાને પોતાના લક્ષ્ય સુધી પહોંચાડવી એ થોડુંક જટીલ કામ કહી શકાય. ચૂંટણી પહેલા ડોનાલ્ડ ટ્રમ્પ આ શાંતિ પ્રક્રિયાને સંપન્ન કરવા ઈચ્છે છે, જેનાથી અફઘાનિસ્તાનથી અમેરિકી સૈનિકોની વાપસી સુનિશ્ચિત થઈ શકે. જો કે આ વાત ત્યારે જ શક્ય બને કે જ્યારે તાલિબાન સાથે તેમની શાંતિ વાર્તાનું કંઈક ચોક્કસ અને સફળ પરિણામ આવે.
અફઘાનિસ્તાનમાં અમેરિકી સૈનિકો ખૂબ લાંબા સમયથી છે. અફઘાનિસ્તાનમાં અરબો રુપિયા ખર્ચ કર્યા બાદ પણ અમેરિકા કંઈ જ મેળવી શક્યું નથી. હવે તે ગમે રીતે માત્ર ત્યાંથી ઈજ્જત બચાવીને નિકળવાની રાહ જોઈ રહ્યું છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અફઘાનિસ્તાનમાં 18 વર્ષથી ચાલી રહેલા સંઘર્ષને ખતમ કરવા અને ત્યાંથી અમેરિકી સૈનિકોને પાછા બોલાવવા માંગે છે. અમેરિકામાં 11 સપ્ટેમ્બર 2001 ના રોજ થયેલા હુમલા બાદ આ સંઘર્ષની શરુઆત થઈ હતી.