નવી દિલ્હીઃ અમેરિકાએ બાલાકોટમાં જૌશ-એ-મહોમ્મદના આતંકી ઠેકાણાઓ પર ભારત દ્વારા જે હુમલો કર્યો તેનું સમર્થન કર્યું છે. આ પહેલા અમેરિકી વિદેશ વિભાગે એક નિવેદન જાહેર કરીને પાકિસ્તાનથી આતંકીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવા કહ્યું હતું.
આ સીવાય ઓસ્ટ્રેલિયા અને ફ્રાંસ જેવા દેશો પહેલા જ ભારતના આ પગલાનું સમર્થન કરી ચૂક્યા છે. બીજી બાજુ જમ્મૂમાં સરહદ સાથે જોડાયેલા વિસ્તારોમાં આવેલી શાળાઓને બંધ કરાવી દેવાઈ છે. ખાસ કરીને પાંચ કિલોમીટરના વિસ્તારમાં આવતી શાળાઓને બંધ કરાવાઈ છે. તો સમજોતા એક્સપ્રેસ આજે પણ નહી ચાલે. પાકિસ્તાને ભારત સાથે વર્તમાન તણાવને જોતા આ નિર્ણય કર્યો છે.
પુલવામા હુમલાનું ષડયંત્ર રચનારા પાકિસ્તાની આતંકી સંગઠન-જૈશ-એ મહોમ્મદ પર ગાળીયો કસવાની તૈયારી કરી દેવામાં આવી છે. પ્રાપ્ત વિગતો અનુસાર અમેરિકા, બ્રિટન અને ફ્રાંસ 15 સદસ્યીય યૂએન સિક્યોરિટી કાઉન્સિલની સેક્શન્સ કમિટીને પ્રસ્તાવ આપ્યો છે કે જૈશના મસૂદ અઝહર પર ગાળીયો કસવામાં આવે. તેની ઈન્ટરનેશનલ યાત્રા પર બેન લગાવવામાં આવે અને તેની સંપત્તિઓ પણ ફ્રીઝ કરી દેવામાં આવે.
ત્રણેય દેશોએ આ સંગઠનને બ્લેકલિસ્ટ કરવાનો પણ પ્રસ્તાવ આપ્યો છે. વ્હાઈટ હાઉસના રાષ્ટ્રીય સુરક્ષા પરિષદના એક અધિકારીએ કહ્યું કે અમેરિકા ભારત અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલા તણાવને લઈને ચિંતિત છે અને તેણે બંન્ને પક્ષો સાથે તણાવ ઓછો કરવા માટે તાત્કાલીક પગલા ભરવા માટે આહ્વાન કરવામાં આવ્યું છે.