વોશિંગ્ટન: આંતરરાષ્ટ્રીય આતંકવાદી સંગઠન અલ-કાયદાના ચીફ ઓસામા બિન લાદેનના પુત્રની જાણકારી આપવા પર અમેરિકાએ 10 લાખ ડોલર (લગભગ રૂ. 7 કરોડ)ના ઇનામની જાહેરાત કરી છે. અમેરિકાના જણાવ્યા અનુસાર ઓસામા બિન લાદેનનો પુત્ર હમજા બિન લાદેન હાલમાં અમેરિકા પર હુમલાની યોજના રચી રહ્યો છે. હમજા પોતાના પિતાના મોતનો બદલો લેવા ઇચ્છે છે.
સુરક્ષા એજન્સીઓ પાસેથી મળેલા ઇનપુટ બાદ અમેરિકાએ આ જાહેરાત કરી છે. અમેરિકાના વિદેશ મંત્રાલયે આ ઇનામી રકમની જાહેરાત કરી છે. અમેરિકી વિદેશ વિભાગના અધિકારી એમ.ટી.ઇવાનોફે કહ્યું કે આ પગલું અમેરિકાની આતંક વિરુદ્ધ લડાઇ તેમજ ગંભીરતાને દર્શાવે છે.
ગુપ્તચર એજન્સીઓએ જણાવ્યું કે હમજા છેલ્લા કેટલાંય વર્ષોથી છુપાયેલો છે અને પાકિસ્તાન, અફઘાનિસ્તાન, સિરિયા કે પછી ઇરાનમાં હોઇ શકે છે. ઇરાનમાં તે નજરકેદ હોવાના અણસાર પણ છે. એવું કહેવાય છે કે હમજા હવે અલ કાયદામાં ઘણા ઊંચા પદ પર પહોંચી ચૂકયો છે અને હવે તે પોતાના પિતાનો બદલો પણ લઇ શકે છે. અમેરિકા કોઇ કસર છોડવા ઇચ્છતું નથી.
અમેરિકી સુરક્ષા વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે અમેરિકી લીડર પોતાના કામ માટે ગંભીર છે. અલ કાયદા ઘણા સમયથી શાંત છે, પરંતુ આ માત્ર રણનીતિક શાંતિ છે, આત્મ સમર્પણ નથી. અલ કાયદા પાસે હજુ પણ હુમલો કરવાની ક્ષમતા છે અને તે એવું કરવાનો ઇરાદો પણ રાખે છે.
ઉલ્લેખનીય છે કે અમેરિકાએ પાકિસ્તાનના અબોટાબાદમાં એક અત્યંત ગુપ્ત ઓપરેશન હેઠળ ઓસામા બિન લાદેનને મોતને ઘાટ ઉતાર્યો હતો. ઓસામાના મૃત્યુ બાદ તેની ત્રણ પત્નીઓ અને બાળકો સાઉદી અરબમાં શરણ લેવા પહોંચ્યાં હતાં, પરંતુ હમજાનું ઠેરાણું સાઉદી અરબમાં વિવાદોનો વિષય રહ્યું છે. એવું માનવામાં આવે છે કે તે ઇરાનમાં પોતાની એક માતા સાથે ઘણાં વર્ષો સુધી રહ્યો. લાદેનના પુત્ર હમજાએ થોડા દિવસ પહેલાં લગ્ન કર્યાં હતાં. તેણે 9/11 હુમલામાં વિમાન હાઇજેક કરનાર મોહંમદ અટ્ટાની પુત્રી સાથે લગ્ન કર્યાં હતાં. તેનાં ઠેકાણા અંગે કોઇને યોગ્ય જાણકારી નથી, પરંતુ તે અફઘાનિસ્તાનમાં હોય તેવી શક્યતા છે.