અમે આતંકવાદનું ભયાનક રૂપ જોયું છે: ઈસ્લામિક દેશોના સંમેલનમાં સુષ્મા સ્વરાજ

અબુ ધાબી: ગેસ્ટ ઓફ ઓનર તરીકે ભારતનાં વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજે  ઓર્ગેનાઇઝેશન ઓફ ઇસ્લામિક કો-ઓપરેશન (OIC)ની બેઠકમાં આતંકવાદનો મુદ્દો ઉઠાવ્યો હતો. OICના સંબોધનમાં સુષ્માએ કહ્યું કે, આતંકવાદ લાખો જિંદગીઓને ભરખી રહ્યું છે અને સમગ્ર વિશ્વમાં વિનાશ વેરી રહ્યો છે. આતંકવાદ સામેની લડાઈ કોઈ ધર્મ સામે નથી.

સુષ્માએ તેમના સંબોધનમાં ઋગવેદનો ઉલ્લેખ કરતા કહ્યું કે, ભગવાન એક છે અને તમામ ધર્મોનો અર્થ શાંતિ છે. વિશ્વ આજે આતંકવાદ સામે ઝઝૂમી રહ્યું છે, અને આતંકી સંગઠનોના ટેરર ફંડિંગ પર પ્રતિબંધ લાદવો જોઈએ. સુષ્માએ કોઈ પણ દેશનું નામ લીધા વગર પાકિસ્તાન પ્રેરિત આતંકવાદનો પણ ઉલ્લેખ કર્યો હતો, જેની સામે ભારત ઘણા લાંબા સમયથી ઝઝૂમી રહ્યું છે.

સુષ્માએ કહ્યું કે, અમે આતંકવાદનું ભયાનક રૂપ જોયું છે, ભારત આતંકવાદ સામે ઝઝૂમી રહ્યું છે. આતંકવાદનો વિસ્તાર વધી રહ્યો છે. આજે આતંકવાદ અને અતિવાદ એક નવા સ્તર પર છે. આતંકવાદને રક્ષણ અને આશ્રય આપવા પર પ્રતિબંધ લાદવો જોઈએ.

આતંકવાદ સામેની લડાઈ કોઈ ઘર્મ સામેની લડાઈ નથી, ધર્મને શાંતિનો પર્યાય ગણાવતા સુષ્માએ કહ્યું કે, જે રીતે ઈસ્લામનો અર્થ શાંતિ છે, અલ્લાહના 99 નામો માંથી કોઈ પણ નામનો અર્થ હિંસા નથી થતો, તેવી જ રીતે દરેક ધર્મ શાંતિ માટે છે.

ભારતની ગૌરવશાળી સંસ્કૃતિનો હવાલો આપતા સુષ્માએ કહ્યું કે, ભારત માટે વિવિધતાનો સ્વીકાર કરવો હમેંશાથી સરળ રહ્યું છે, કારણ કે, આ સંસ્કૃતિ સૌથી જૂના ધાર્મિક ગ્રેથ ઋગવેદમાં પણ છે, અને હું તેમાંથી એક ઉદાહરણ લઈ રહી છું. ‘એકમ સત વિપ્ર બહુધા વધંતી’ એટલે કે, ભગવાન એક જ છે પરંતુ વિદ્વાન લોકો જૂદી જૂદી રીતે તેનું વર્ણન કરે છે.

ભારતની ધાર્મિક અને સાંસ્કૃતિક વિવિધતાનો ઉલ્લેખ કરતા કહ્યું કે, ભારતમાં દરેક ધર્મ અને સંસ્કૃતિનું સમ્માન થાય છે. એજ કારણે ભારત ખુબજ ઓછા મુસ્લિમ ઝેરીલા પ્રોપોગેન્ડાથી પ્રભાવિત થયો છે.

ઉલ્લેખનીય છે કે, ઓ.આઇ.સીએ ભારતને આ સમિટમાં આમંત્રણ આપતા પાકિસ્તાને જોરદાર વિરોધ કર્યો અને ઇસ્લામિક દેશોની આ સમિટમાં ભાગ ન લીધો. પણ પાકિસ્તાનના વિરોધ વચ્ચે પણ ઇસ્લામિક સહકાર સંગઠન (ઓર્ગેનાઇઝેશન ઓફ ઇસ્લામિક કોઓપરેશન)ના દેશોના વિદેશ પ્રધાનોની બેઠકમાં સુષ્મા સ્વરાજનું જોરદાર સ્વાગત થયું હતું.