અમેરિકા પર હવે ઓમિક્રોનના સંક્રમણ પ્રસરવાનું જોખમ

વોશિંગ્ટનઃ વિશ્વમાં ફરી એક વખત કોરોના વાઇરસના નવા ઓમિક્રોન વેરિયન્ટની દહેશતમાં છે, કેમ કે રોગચાળાનો આ નવો વેરિયન્ટ વિશ્વમાં ઝડપથી પ્રસરી રહ્યો છે અને એક નવી લહેર લાવી શકે છે. કોરોનાના ડેલ્ટા વાઇરસના કેસોમાં વધારાથી ઝઝૂમી રહેલા હોસ્પિટલના કોરોના વોરિયર્સ જે સતત બીજા વર્ષે પણ રજા મેળવવા માટે મથી રહ્યા છે, ત્યારે હોસ્પિટલ તેમની રજાના આયોજનને આગળ ધકેલવા માટે કહી રહી છે.

વ્હાઇટ હાઉસે ભાર દઈને બુધવારે કહ્યું હતું કે લોકડાઉનનની કોઈ જરૂર નથી, કેમ કે રસી વાઇરસના સૌથી ખરાબ પરિણામોથી સુરક્ષા આપે છે. ભલે, ડેલ્ટાની તુલનાએ ઓમિક્રોનનાં હલકાં લક્ષણો દેખાતાં હોય, જીવનરક્ષક ટૂલ્સ (રસી)ને બેઅસર બનાવી શકે છે અને વરિષ્ઠ નાગરિકોના જીવને જોખમમાં મૂકી શકે છે, કેમ કે ઓમિક્રોન ઝડપથી અમેરિકામાં પ્રસરી રહ્યો છે.

વિશ્વમાં નવા વેરિયેન્ટ ઓમિક્રોનથી ચિંતાનું મોજું ફરી વળ્યું છે. કોરોના વેરિયન્ટ પર નજર રાખતા હાર્વર્ડ મેડિકલ સ્કૂલની આગેવાની સંશોધન કરનારા  જેકબ લેમિક્સે કહ્યું હતું કે ડેલ્ટા સંક્રમણના કેસો વધી રહ્યા છે અને ઝડપથી વધી રહ્યા છે, ત્યારે ઓમિક્રોનના કેસોમાં પણ વધારો થઈ રહ્યો છે, એ ચિંતાજનક છે, કેમ કે આપણી હોસ્પિટલો પહેલેથી ઊભરાઈ રહી છે અને હોસ્પિટલના કર્મચારો થાકેલા છે.

વિશ્વના 75થી વધુ દેશોમાં ઓમિક્રોનના કેસોની પુષ્ટિ થઈ ચૂકી છે. અમેરિકામાં ઓમિક્રોનના 36 કેસો નોંધવામાં આવ્યા છે. ડેટા સૂચવે છે કે ઓમિક્રોન ડેલ્ટા કરતાં વધુ ઝડપથી સંક્રમણ ફેલાવે છે. એ બે દિવસમાં સંક્રમણના કેસો બેવડા કરે છે, એમ CDC ડિરેક્ટર રોશે વાલ્નસ્કાયએ કહ્યું હતું.