નવી દિલ્હી- અમેરિકામાં કામ કરનારા લોકો માટે ખુશીના સમાચાર છે. કારણ કે એચ1 બી વિઝા નિયમોમાં મર્યાદિત પ્રતિબંધ લાદ્યા પછી યુએસ સરકાર પાસે હાલ કોઈ યોજના નથી. ગુરુવાર 20 જૂન, 2019ના રોજ યુએસના ગૃહ મંત્રાલયે કહ્યું હતું કે ટ્રમ્પ સરકારની પાસે એવા દેશો માટે એચ 1 બી વર્ક વિઝા આપવા માટે મર્યાદા નક્કી કરવાની કોઈ યોજના નથી. જો કે વિદેશી કંપનીઓ પર ડેટા તૈયાર કરવા માટે સ્થાનિક સ્તર પર દબાણ છે.ખરેખર જોવા જઈએ તો રોયટર્સના રીપોર્ટમાં 19 જૂને એમ કહેવાયું હતું કે યુએસે ભારતને કહ્યું છે કે તેઓ એવા દેશોના લોકોને એચ 1 બી વિઝા આપવા માટે મર્યાદા નક્કી કરવા માટે વિચારી રહ્યાં છે. જો કે ડેટા તૈયાર કરવાની પ્રક્રિયાને ફરજિયાત ગણી રહ્યાં છે.
સમાચાર એજન્સીના આવા સમાચાર પર ટ્રમ્પ સરકારના એક પ્રવકતાએ કહ્યું હતું કે વિદેશી કંપનીઓને ડેટા તૈયાર કરવા પર ભાર આપનારા દેશોના લોકો માટે એચ 1 બી વિઝા પર મર્યાદિત પ્રતિબંધ લગાવવા માટે ટ્રમ્પ સરકારની પાસે કોઈપણ પ્રકારની યોજના નથી. તેઓ એમ પણ બોલ્યાં હતાં કે ભારત સાથે ચર્ચા ચાલે છે, તેના કરતાં આ અલગ જ છે.
દરમિયાન ગુરુવારે ભારતની તરફથી એમ કહેવાયું છે કે એચ 1 બી વિઝાને લઈને તેમની યુએસ સાથે વાતચીત ચાલુ છે. પણ વિદેશ મંત્રાલયના પ્રવકતા રવીશકુમારે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે અમેરિકી સરકાર સાથે અમને આ મામલા પર કોઈપણ વાત સત્તાવાર રીતે જાણવા કે સાંભળવા મળી નથી.
બીજી તરફ સેક્રેટરી માઈક પોમ્પિયો આગામી સપ્તાહે ભારત આવી રહ્યાં છે. તેઓ રાજધાની દિલ્હીમાં બંને દેશોના કેટલાક મુદ્દાઓ પર ભારતીય અધિકારીઓ સાથે વાત કરશે. એવા પણ સમાચાર આવ્યાં છે કે યુએસ ભારતીયોને એચ 1 બી વિઝાની મર્યાદા 10થી 15 ટકા સુધી કરવા પર વિચાર કરી રહ્યું છે. જાણકારી મુજબ અમેરિકા દર વર્ષે અન્ય દેશોમાં લગભગ 85 હજાર લોકોને વિઝા આપે છે. જેમાં સૌથી વધારે 70 ટકા વિઝા ભારતીયોને મળે છે.